સત્ય. સાહસ. સંકલ્પ.

સાડી પર બુદ્ધની છબિ: ગુજરાત હાઈકોર્ટે વેપારી સામેની ફરિયાદ રદ કરી

સાડી પર બુદ્ધની છબિ: ગુજરાત હાઈકોર્ટે વેપારી સામેની ફરિયાદ રદ કરી

સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 2017માં ટેક્સટાઇલ વેપારી ભરત હરજીભાઈ શંકર સામે ધાર્મિક ભાવનાઓ દુભાવવાની ફરિયાદ નોંધાઈ હતી. આરોપ હતો કે તેમણે ભગવાન ગૌતમ બુદ્ધની છબિવાળી સાડીઓ અને કાપડનું વેચાણ કર્યું, જેમાં છબિ સાડીના નીચલા ભાગે પ્રિન્ટ થયેલી હતી. આ મુદ્દે બૌદ્ધ સમાજની લાગણી દુભાઈ હોવાનો દાવો કરાયો હતો.

ફરિયાદ સમસ્ત યુવા આંબેડકરી સમાજના પ્રમુખ કુણાલ સોનવણેએ 19 ડિસેમ્બર 2017ના રોજ નોંધાવી હતી. તેમને સમાજના આગેવાનો પાસેથી માહિતી મળી હતી કે ટેક્સટાઇલ માર્કેટમાં બુદ્ધની છબિવાળી સાડીઓ વેચાઈ રહી છે. આગેવાનોએ સ્થળ તપાસ કરતાં જણાયું કે છબિ એવી જગ્યાએ પ્રિન્ટ કરવામાં આવી હતી જ્યાં તે પગમાં આવે. આથી બૌદ્ધ સમાજમાં રોષ ફેલાયો હતો.

પોલીસે 21 ડિસેમ્બર 2017ના રોજ ચાર વેપારીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં વણકર ટેક્સટાઇલ માર્કેટના ભરત હરજીભાઈ શંકર, આનંદ ટેક્સટાઇલ માર્કેટના પ્રકાશ શેખરચંદ શાણી, સુરત ટેક્સટાઇલ માર્કેટના રવિ સુરેશભાઇ જૈન અને રાધા કૃષ્ણા ટેક્સટાઇલ માર્કેટના દુકાનદારનો સમાવેશ થાય છે. આમાંથી ભરત શંકરે ફરિયાદ રદ કરાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.

વેપારીના વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે અરજદાર સુરતના જાણીતા વેપારી છે, જે ટ્રેન્ડ મુજબ કાપડ ખરીદીને વેચે છે. તેમનો ધાર્મિક ભાવનાઓ દુભાવવાનો કે નુકસાન પહોંચાડવાનો કોઈ દૂષિત કે ઈરાદાપૂર્વકનો આશય નહોતો. બિઝનેસ હરીફાઈના કારણે દબાણ લાવવા માટે આ ખોટી એફઆઈઆર કરવામાં આવી હતી.

હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંકીને નોંધ્યું હતું કે ભારતીય દંડ સંહિતાની કલમ 295A હેઠળ ગુનો ત્યારે જ બને છે, જ્યારે કોઈ કાર્ય પાછળ ધાર્મિક ભાવનાઓ દુભાવવાનો કે સમાજમાં અશાંતિ ફેલાવવાનો ઈરાદાપૂર્વકનો અને દૂષિત આશય હોય. માત્ર ધાર્મિક પ્રતીક કે ભગવાનની છબિવાળા કાપડનું સામાન્ય વેચાણ કરવું એ બદઈરાદો દર્શાવતું નથી.

રેકોર્ડ પરના ફોટોગ્રાફ્સ અને પોલીસ રિપોર્ટ જોતાં ક્યાંય સાબિત થતું નથી કે અરજદારે કોઈ ધર્મના અપમાન માટે આ કૃત્ય કર્યું હોય. તેથી કલમ 295Aના ગુનાના જરૂરી ઘટકો અહીં બનતા નથી. ગુજરાત હાઈકોર્ટે અરજદારની અરજી ગ્રાહ્ય રાખી છે અને તેમના વિરુદ્ધ આ કેસને લગતી તમામ કાનૂની કાર્યવાહી રદ કરી છે.