સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત હાઈકોર્ટ, CM ઓફિસ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી, ડોગ સ્કવોડ તૈનાત

ગુજરાત હાઈકોર્ટ, CM ઓફિસ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી, ડોગ સ્કવોડ તૈનાત

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ધમકીભર્યો ઈ-મેલ ગુજરાત હાઈકોર્ટને મળ્યો છે, જેમાં મુખ્યમંત્રી કાર્યાલય (CMO), ગાંધીનગર સચિવાલય અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ નિશાન બનાવવાની વાત લખવામાં આવી છે.

ઈ-મેલમાં 21 નવેમ્બરે દિલજિત દોસાંઝના શો દરમિયાન IED બ્લાસ્ટ કરવાની ધમકી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત, ઈ-મેલમાં ખાલિસ્તાન નેશનલ આર્મી અને બબ્બર ખાલસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને અયોધ્યા, કાશી તથા મથુરાના મંદિરોને પણ નિશાન બનાવવાની ધમકી અપાઈ છે.

ધમકી મળતાં જ હાઈકોર્ટ પરિસરમાં સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. ડોગ સ્કવોડની ટીમે હાઈકોર્ટ પરિસરમાં તપાસ શરૂ કરી છે, અને પોલીસની ટીમો પણ ચેકિંગ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓ ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજ્યની જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અજાણ્યા શખ્સે ઈ-મેલ મારફતે અમદાવાદ સહિત રાજ્યભરની જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ધમકીભર્યો ઈ-મેલ મળતાં જ સ્થાનિક પોલીસની ટીમો તપાસ માટે જેલ પરિસરમાં પહોંચી હતી. જો કે, કોઈ શંકાસ્પદ વિસ્ફોટક ન મળતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પહેલા ઓક્ટોબરમાં અમદાવાદની જાણીતી શાળાઓ અને સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સેટેલાઈટ સ્થિત નારાયણ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યા ભારતી સ્કૂલ તેમજ સી.એન. વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેલ મળ્યા હતા. આ સિવાય વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીના સમાચાર મળતાં જ ચિંતાતુર વાલીઓ તાબડતોબ પોતાના બાળકોને લેવા માટે સ્કૂલે પહોંચી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમો અને બોમ્બ સ્કવોડ સ્થળ પર પહોંચીને સઘન તપાસ શરૂ કરી દીધી હતી, જો કે તપાસ બાદ કંઈ વિસ્ફોટક ન મળતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.