ગુજરાત હાઇકોર્ટે રાજ્યની આશ્રમશાળાઓમાં શિક્ષકોની અછત અને તેમની બદલીના મુદ્દે મહત્વની સુનાવણી કરી. ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય સરકારને સ્પષ્ટ ટકોર કરી કે આશ્રમશાળાઓ માટે નીતિ ઘડતી વખતે એ નિયમ રાખવો પડશે કે અહીં નિયુક્ત થયેલા શિક્ષકોની બીજી ગ્રાન્ટ ઇન (બિન-સરકારી) શાળાઓમાં બદલી ન થઈ શકે.
ખંડપીઠે કહ્યું કે સરકાર જ્યારે જાહેર જનતાના પૈસે શિક્ષકોને પગાર ચૂકવે છે, ત્યારે તેના પર કોઈને જલસા કરવા દેવાય નહીં. કોર્ટે એવું પણ જણાવ્યું કે આશ્રમશાળામાં ભરતી થયેલા શિક્ષકો અંતરિયાળ કે આદિવાસી વિસ્તારોમાં ભણાવવાનું બહાનું કાઢી શકે નહીં.
આ કેસમાં ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઑથોરિટી (GSLSA) દ્વારા આશ્રમશાળાઓની સ્થળ તપાસ કરાવવામાં આવી હતી. આ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો કે કેટલીક બિનસરકારી સંસ્થાઓ (NGO) પૂરતા શિક્ષકો વગર જ આશ્રમશાળાઓ ચલાવી રહી છે. હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરતાં પ્રશ્ન ઉઠાવ્યો કે આવી રામભરોસે ચાલતી આશ્રમશાળાઓમાં બાળકોને શું ભણાવવામાં આવતું હશે.
કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે આશ્રમશાળાના શિક્ષકોની ભરતી અને બદલી અંગે નિયમો ઘડવામાં કેટલો સમય લાગશે. સરકારી વકીલે નિયમો તૈયાર કરવા માટે ચાર અઠવાડિયાનો સમય માગ્યો. હાઇકોર્ટે સરકારની વિનંતી ગ્રાહ્ય રાખીને વધુ સુનાવણી એક મહિના પછી મુલતવી રાખી છે.
ઉલ્લેખનીય છે કે આશ્રમશાળાઓ હવે સરકારી અને ખાનગી ફંડથી ચાલશે, જેથી ત્યાં કડક નિયમો લાગુ કરવા જરૂરી બન્યા છે.