સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં 12-13 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી, 23 જિલ્લામાં વરસાદની ઘટ

ગુજરાતમાં 12-13 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી, 23 જિલ્લામાં વરસાદની ઘટ

રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ લીધો છે. આજની તારીખે 23 જિલ્લામાં વરસાદની ઘટ નોંધાઈ છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો અછત જેવી સ્થિતિ છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે. 12 અને 13 સપ્ટેમ્બરે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 14 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સરહદ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. તમામ વૈશ્વિક હવામાન મોડેલોમાં ગુજરાતમાં વરસાદ અંગે હકારાત્મક સંકેત મળી રહ્યા છે.

હાલ રાજ્યમાં સિઝનનો 75.62 ટકા વરસાદ વરસ્યો છે. ઝોનવાર વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ સામે 104 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 75 ટકા, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 56 ટકા અને કચ્છમાં માત્ર 29 ટકા વરસાદ થયો છે.