ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં લો પ્રેશર અને મોનસૂન ટ્રફ સક્રિય છે. આજે છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્નાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે. આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
રાજ્યમાં 16 સપ્ટેમ્બરની સવારે 10 વાગ્યા સુધીમાં કુલ 770.16 મિમી (30.32 ઈંચ) વરસાદ નોંધાયો છે, જે મોસમના સરેરાશના 84.74% થાય છે. હજુ 15% વરસાદની ઘટ છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 112.46% (1734.16 મિમી) વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 499.13 મિમી, ઉત્તર ગુજરાતમાં 462.86 મિમી અને કચ્છમાં 282.20 મિમી વરસાદ નોંધાયો છે. જોકે, સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ છે. દેવભૂમિ દ્વારકામાં માત્ર 10.54%, પોરબંદરમાં 24.76% અને જામનગરમાં 36.27% વરસાદ થયો છે.
ગઈકાલે કચ્છના માંડવીમાં ભારે વરસાદથી શેરીઓમાં પાણી વહ્યાં હતાં, જ્યારે નદીઓ બે કાંઠે વહેતાં ખેડૂતોએ રાજીપો વ્યક્ત કર્યો હતો. આજે સવારથી રાજ્યના 15 તાલુકામાં 7 મિમી સુધીનો સામાન્ય વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કચ્છ ઝોનમાં 8% વરસાદ વરસ્યો છે. અબડાસામાં 2.13 ઈંચ અને મુન્દ્રામાં 1.69 ઈંચ વરસાદ નોંધાયો છે.
ડેમોની સ્થિતિ જોતાં, સરદાર સરોવર (નર્મદા ડેમ)માં 3,20,653 mcft પાણીનો સંગ્રહ છે, જે કુલ ક્ષમતાના 95.98% છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ ક્ષમતાના 69.19% (3,85,986 mcft) પાણી ઉપલબ્ધ છે. 25 ડેમ 100% ભરાયા છે, 38 ડેમ 70-100% વચ્ચે, 28 ડેમ 50-70% વચ્ચે, 40 ડેમ 25-50% વચ્ચે અને 75 ડેમ 25%થી ઓછા ભરાયા છે. 40 ડેમ હાઈ એલર્ટ પર, 13 ડેમ એલર્ટ પર અને 10 ડેમ વોર્નિંગ હેઠળ છે.
વરસાદી માહોલને કારણે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું છે. અમદાવાદમાં મહત્તમ 31.2°C અને ન્યૂનતમ 24.9°C (સામાન્યથી 2.4°C નીચું) નોંધાયું છે. ભાવનગર 31.8°C સાથે સૌથી ગરમ રહ્યું છે. ભુજમાં 31.4°C, રાજકોટમાં 30.7°C અને સુરતમાં 29.0°C નોંધાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પોરબંદર 23.6°C, દીવ 23.4°C અને કેશોદ 23.6°C સાથે ઠંડક પ્રસરી છે.