ગઈકાલે 22 સપ્ટેમ્બરે બપોર બાદ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ઉનામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ થયો, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
ઉનામાં રસ્તા પર પાણી ભરાતાં વાહનો અડધા ડૂબી ગયા હતા. ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે દુકાનની બહાર રાખેલો સામાન પણ પાણીના વહેણમાં તણાઈ ગયો હતો.
રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 7 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. રાજસ્થાનના વધુ કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય થઈ ગયું છે અને હવે ગુજરાતમાં પણ ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે. આગામી બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છના અમુક ભાગોમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
આજે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મેઘગર્જના અને વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન વધુ તીવ્ર બનીને પશ્ચિમ-મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. આગામી 12 કલાકમાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાવાની સંભાવના છે. ત્યારબાદ તે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પહોંચી શકે છે. જમ્મુ આસપાસના ક્ષેત્રમાં અત્યારે આ સિસ્ટમ સક્રિય છે. રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ પવન ફૂંકાવાની સંભાવના છે.