સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં આજે સાંજે 3 કલાક માટે વરસાદનું મોટું એલર્ટ, 12 જિલ્લામાં રેડ તો 17માં ઓરેન્જ

ગુજરાતમાં આજે સાંજે 3 કલાક માટે વરસાદનું મોટું એલર્ટ, 12 જિલ્લામાં રેડ તો 17માં ઓરેન્જ

ગુજરાતમાં વરસાદને લઈને ફરી એકવાર મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે સાંજે 7:15 થી રાત્રે 10:15 વાગ્યા સુધીના ત્રણ કલાક માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની પ્રબળ સંભાવના વ્યક્ત કરી છે.

આ આગાહીને પગલે વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે અને લોકોને જરૂરી સાવચેતી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

હવામાન વિભાગની સત્તાવાર માહિતી મુજબ, રાજ્યના 12 જિલ્ટામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, આણંદ, અરવલ્લી અને મહિસાગરનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ગાજવીજ, કડાકાભડાકા અને ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને ટ્રાફિક ખોરવાઈ જવાની ભીતિ છે.

આ ઉપરાંત, અન્ય 17 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. આ જિલ્લાઓમાં રાજકોટ, જામનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. અહીં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.

રાજ્ય સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ સમયગાળા દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળે અને ઘરમાં સુરક્ષિત રહે. ખાસ કરીને નદી-નાળા કાંઠે કે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા પરિવારોને વિશેષ તકેદારી રાખવા અને જરૂર પડે તો સલામત સ્થળે ખસી જવા જણાવાયું છે. વાતાવરણ વધુ ખરાબ થાય તો મદદ માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે.