ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં (12 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યાથી 13 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યા સુધી) રાજ્યના 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ઉકાઈમાં 11.81 ઇંચ નોંધાયો છે.
હાલમાં લો પ્રેશર, મોનસૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ — એમ ત્રણ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે. તેને કારણે હવામાન વિભાગે 15 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે. સોમવારે (14 સપ્ટેમ્બર) કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
4 જિલ્લામાં રેડ ઍલર્ટ
13 સપ્ટેમ્બરે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી માટે રેડ વોર્નિંગ જાહેર કરાઈ છે. અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ડાંગ, તાપી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને બોટાદ માટે ઓરેન્જ વોર્નિંગ અપાઈ છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં 13 અને 14 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ વોર્નિંગ અને 15 સપ્ટેમ્બરે યલો વોર્નિંગ આપવામાં આવી છે. ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ માટે યલો વોર્નિંગ જાહેર કરાઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 13થી 15 સપ્ટેમ્બર દરમિયાન ગાજવીજની પણ ચેતવણી આપવામાં આવી છે.
14 જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13થી 19 સપ્ટેમ્બર સુધી ગુજરાત પ્રદેશ તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગુજરાત પ્રદેશમાં આગામી બે દિવસ વ્યાપક વરસાદ અને 15 સપ્ટેમ્બરે પણ ધોધમાર વરસાદ પડી શકે છે. ત્યારબાદ વરસાદની તીવ્રતા અને વિસ્તાર ઘટશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આગામી બે દિવસ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
અમદાવાદમાં આજે વાતાવરણ મુખ્યત્વે વાદળછાયું રહેશે અને ગાજવીજ સાથે ભારે વરસાદનો સ્પેલ આવી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય વરસાદના 25.84 ઇંચની સામે 20.96 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 19 ટકા ઓછો છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
દરિયાકાંઠાની સ્થિતિ અંગે હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના તટીય વિસ્તારોમાં પવન મુખ્યત્વે પશ્ચિમ દિશામાંથી અને દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશામાંથી 15થી 20 નોટની ઝડપે ફૂંકાશે, જે 30 નોટ સુધી પહોંચી શકે છે. દરિયામાં ખરાબ વાતાવરણને કારણે દક્ષિણ તટીય વિસ્તારમાં LC3 સિગ્નલ લગાવાયું છે. 13, 14 અને 15 સપ્ટેમ્બર દરમિયાન 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જે 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.