ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ વધુ સક્રિય થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. એકસાથે ચાર હવામાન સિસ્ટમ સક્રિય થતાં 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. લાંબા વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત થતાં ખાસ કરીને ખેડૂતોમાં રાહતનો માહોલ છે.
હવામાન વિભાગની સત્તાવાર માહિતી મુજબ, 12 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સુરત અને વડોદરા સહિત સાત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા હોવાથી યલો એલર્ટ અપાયું છે.
13 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદની આશંકા છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના હોવાથી ત્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વહીવટી તંત્રને સાવચેતીના પગલાં લેવા સૂચના અપાઈ છે.
આગાહીના પગલે રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મહિસાગર જિલ્લામાં સવારે હળવાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. ગીર સોમનાથ જિલ્લામાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને ગીર ગઢડા તાલુકાનાં પડાપાદર, કાંધી, મોટા સમઢિયાળા, બંધારડા તથા ધોકડવા સહિતનાં ગામોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ઉના શહેરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થતાં ગરમીમાંથી આંશિક રાહત મળી છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, હાલમાં ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી તથા ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીક એક મજબૂત લો-પ્રેશર એરિયા સર્જાયો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે, જે આગામી 24 કલાકમાં વધુ મજબૂત બનીને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે. ઉત્તર રાજસ્થાનથી લો-પ્રેશર વિસ્તાર સુધી એક ટ્રફ પણ સક્રિય છે. આ સ્થિતિને કારણે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 16 અને 17 સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
ચાલુ ચોમાસામાં ગુજરાતમાં અત્યાર સુધી એકંદરે 21 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. ગુજરાત પ્રદેશમાં સામાન્ય સરખામણીમાં માત્ર 7 ટકા ઘટ છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 40 ટકા જેટલી તંગી છે. આ અછત પૂરી કરવા આગામી દિવસોનો વરસાદ ખેતી અને પીવાના પાણીના સંગ્રહ માટે નિર્ણાયક બનશે.