ગુજરાતમાં ફરી એક વાર ભારે વરસાદ પડી રહ્યો છે. આજે 18 સપ્ટેમ્બરની સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં 3 ઈંચ અને અમદાવાદ શહેરમાં પોણા ત્રણ ઈંચ પડ્યો છે.
હવામાન વિભાગે બપોરે 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયો છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, નવસારી, તાપી, નર્મદા, સુરત, પંચમહાલ, દાહોદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે. બાકીના જિલ્લાઓમાં યેલો એલર્ટ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે આજે સવારે મુંબઈથી આવતી બે ફ્લાઈટ વડોદરા ડાયવર્ટ કરવામાં આવી છે. આ બંને ફ્લાઈટમાં બેસેલા 200થી વધુ મુસાફરોને કલાકો સુધી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. હિરાસર પાસે વરસાદના કારણે એરક્રાફ્ટનું ઉતરાણ મુશ્કેલ બન્યું છે, જેથી હાલ બે ફ્લાઈટ ડાયવર્ટ થઈ છે, પરંતુ વધુ ફ્લાઈટ ડાયવર્ટ થવાની શક્યતા છે.