સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં ભારે વરસાદ: અમદાવાદ સહિત 18 જિલ્લામાં 3 કલાક માટે રેડ એલર્ટ

ગુજરાતમાં ભારે વરસાદ: અમદાવાદ સહિત 18 જિલ્લામાં 3 કલાક માટે રેડ એલર્ટ

ગુજરાતમાં વરસાદનું જોર વધતાં હવામાન વિભાગે આગામી 3 કલાક માટે અમદાવાદ સહિત રાજ્યના 18 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. અમદાવાદના નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ ચાલુ છે.

રેડ એલર્ટ ક્યાં જાહેર થયું?

અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, વડોદરા, આણંદ, ખેડા, અરવલ્લી, મહેસાણા, રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર અને ભરૂચમાં 3 કલાક માટે રેડ એલર્ટ છે. દીવમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે.

ઓરેન્જ એલર્ટ ક્યાં?

બનાસકાંઠા, પાટણ, કચ્છ, દ્વારકા, પોરબંદર, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં આગામી 3 કલાક માટે ઓરેન્જ એલર્ટ છે.

અમદાવાદમાં પાણી ભરાયા, મીઠાખળી અંડરપાસ બંધ

ભારે વરસાદને પગલે અમદાવાદનો મીઠાખળી અંડરપાસ તાત્કાલિક અસરથી વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. શહેરના શ્યામલ, માણેકબાગ, શિવરંજની, વાળીનાથ ચોક, શ્રેયસ ક્રોસિંગ, નારોલ, નરોડા અને કાસીન્દ્રા જેવા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. માણેકબાગમાં રસ્તા પર પાણી વહેતું જોવા મળ્યું હતું. નારોલ-અસલાલી હાઈવે પાણીમાં ગરકાવ થયો હતો અને દુકાનોમાં પણ પાણી ઘુસ્યું હતું. 2થી 3 ઈંચ વરસાદમાં જ પાણીનો નિકાલ ન થતાં સવારે કામે નીકળેલા લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો.

SKYMETની આગાહી

ખાનગી હવામાન સંસ્થા SKYMETના જણાવ્યા અનુસાર આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, સોમનાથ, આણંદ અને વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે. 16 અને 17 સપ્ટેમ્બરે દ્વારકા, જામનગર અને સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અને જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવા સૂચના આપી છે.