સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં 2.87 ઈંચ વરસાદ

ગુજરાતમાં 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં 2.87 ઈંચ વરસાદ

ગુજરાતમાં આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં 2.87 ઈંચ વરસાદ પડ્યો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પણ 2.87 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આજે રાજ્યના 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લા છે — અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, તેમજ દમણ અને દાદરા નગર હવેલી.

અમદાવાદમાં આજે ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ભાવનગર, અરવલ્લી, ખેડા અને ભરૂચમાં પણ વરસાદનું યલો એલર્ટ છે. મહિસાગર, પંચમહાલ અને વડોદરામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ વરસશે.

ડીપ ટ્રફ સક્રિય હોવાથી આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. જોકે હાલમાં ડીપ ટ્રફ નબળું પડતા હવે ભારે વરસાદની શક્યતા ઓછી છે.

આ વરસાદી મોસમમાં ગુજરાતમાં સામાન્ય કરતાં 8 ટકા જેટલો વરસાદ ઓછો પડ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યાર સુધીમાં 23 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જોકે હાલ વરસાદનું જોર ઘટ્યું છે.