ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદે જોર પકડ્યું છે. આજે 14 સપ્ટેમ્બરે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલ જિલ્લાના ગોધરામાં પડ્યો છે, જ્યાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે.
વડોદરામાં પણ ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જૂનાગઢમાં આ સિઝનમાં પહેલીવાર કાળવા નદીમાં પૂર આવ્યું છે. ડામદર કુંડમાં પણ પાણીની આવક નોંધાઈ છે. ઉપલા દાતાર પર્વત પર ભારે વરસાદને કારણે પર્વતની સીડીઓ પરથી નદીની જેમ પાણી વહી રહ્યું છે. વિલિંગ્ડન ડેમમાં પાણીની વિપુલ આવક થતાં તે ઓવરફ્લો થવાની શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 240 તાલુકામાં 1 મિમીથી લઈને સાડા ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. નવ તાલુકામાં 3 ઇંચથી વધુ અને 17 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 4.45 ઇંચ વરસાદ પડ્યો છે.
રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર તેજ બની છે. હવામાન વિભાગે આજે બપોરના 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરી છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, વડોદરા, આણંદ, ખેડા, અરવલ્લી, મહેસાણા, રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર અને ભરૂચમાં 41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ અને 60%થી વધુ વીજળી પડવાની શક્યતા છે.
બીજી તરફ બનાસકાંઠા, પાટણ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં તેજ પવન સાથે મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.
હવામાન વિભાગના નિયામક એ. કે. દાસના જણાવ્યા અનુસાર, દરિયાકાંઠે 60થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. તેથી 15 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.