રાજ્યમાં લાંબા વિરામ બાદ છેલ્લા બે દિવસથી વરસાદ પુનઃ સક્રિય થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 240 તાલુકામાં 1 મિમીથી લઈને પોણા પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જેમાં નવ તાલુકામાં 3 ઇંચથી વધુ અને 17 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ પોણા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારો જેવા કે વેજલપુર, જોધપુર, પ્રહલાદ નગર, સેટેલાઇટ અને ઇસ્કોનમાં કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાથે વરસાદ થયો હતો. વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીના પર્વે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ભક્તોના ઉત્સાહમાં થોડું વિઘ્ન ઊભું થયું હતું, પરંતુ લોકોએ ઉત્સાહ જાળવી રાખ્યો હતો. નોકરી-ધંધે જતા લોકોએ રેઇનકોટ અને છત્રીનો સહારો લેવો પડ્યો હતો.
નવસારી જિલ્લા માટે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં નવસારીમાં સૌથી વધુ વાંસદામાં 3.45 ઇંચ અને નવસારી તાલુકામાં 2.91 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જલાલપોરમાં 2.5 ઇંચ, ખેરગામમાં 1.75 ઇંચ અને ચીખલીમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. અવિરત ધીમી ધારે વરસી રહેલા વરસાદથી ખેડૂતોમાં આનંદનો માહોલ છે.
ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાં નવસારી જિલ્લાની નદીઓમાં વધેલું જળસ્તર હવે ઓસરવા લાગ્યું છે. આનાથી નીચાણવાળા વિસ્તારો અને સ્થાનિક તંત્રને રાહત મળી છે. હાલમાં પૂર્ણા નદી 10 ફૂટ (ભયજનક સપાટી 23 ફૂટ), અંબિકા નદી 14.43 ફૂટ (ભયજનક સપાટી 28 ફૂટ) અને કાવેરી નદી 11 ફૂટ (ભયજનક સપાટી 19 ફૂટ) પર વહી રહી છે. તમામ નદીઓ ભયજનક સપાટીથી નીચે છે.
આજે (14 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધ્યું છે. રાજ્યમાં આ સીઝનમાં જ્યાં સૌથી વધુ વરસાદની ઘટ છે એવા દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર સહિતમાં અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમદાવાદ, આણંદ, તાપી, ડાંગ, નર્મદા, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાથી યલો એલર્ટ આપવામાં આવ્યો છે.
15 સપ્ટેમ્બરે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે, પરંતુ સૌરાષ્ટ્રના ચોક્કસ ભાગોમાં વરસાદનું જોર યથાવત્ રહેશે. હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની આગાહી કરી છે. તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોના નાગરિકોને સાવચેતી રાખવા અને હવામાન સંબંધી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 14 અને 15 સપ્ટેમ્બરે કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સાથે પવનની ગતિ 60થી 70 કિમી પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે. દરિયામાં ભારે મોજા ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને 15 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.