સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં ભારે વરસાદ: અમદાવાદ સહિત 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 3 કલાક માટે સતર્કતા

ગુજરાતમાં ભારે વરસાદ: અમદાવાદ સહિત 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 3 કલાક માટે સતર્કતા

અમદાવાદ સ્થિત હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી કરી છે. રાજકોટ, અમદાવાદ, ખેડા, વડોદરા અને સુરત સહિત 18 જિલ્લામાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) અમદાવાદ દ્વારા જારી કરાયેલા નાઉકાસ્ટ બુલેટિન મુજબ, રાજ્યમાં આગામી ત્રણ કલાક માટે વરસાદની સ્થિતિ ચાલુ રહેશે. મધ્ય અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ખાસ સતર્કતા રાખવાની સૂચના આપવામાં આવી છે.

કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?
રાજકોટ, બોટાદ, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ અને સુરત જિલ્લામાં 5 થી 15 મીમી પ્રતિ કલાકનો મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને વીજળી પડવાની 30 થી 60 ટકા સંભાવના છે. તેથી અહીં ઓરેન્જ એલર્ટ (સતર્ક રહો) જાહેર કરાયું છે.

કયા જિલ્લામાં યલો એલર્ટ?
નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં હળવો વરસાદ (5 મીમીથી ઓછો પ્રતિ કલાક) પડવાની સાથે છૂટાછવાયા ગાજવીજ અને વીજળી પડવાની ઓછી (30 ટકાથી ઓછી) સંભાવના છે. અહીં યલો એલર્ટ (ધ્યાન રાખો) જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં પવનની ઝડપ સામાન્ય રહેશે.

હવામાન વિભાગે નાગરિકોને અચાનક બદલાતા હવામાન પર નજર રાખવા અને સલામત સ્થળે રહેવાની સલાહ આપી છે. ગાજવીજ અને વાવાઝોડાની સ્થિતિમાં ઝાડ નીચે આશરો ન લેવો અને વીજ ઉપકરણોથી દૂર રહેવું. તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં વાહનવહાર અને નાગરિકોની અવરજવર પર પણ નજર રાખવા સૂચના અપાઈ છે.