ગુજરાતમાં ચોમાસાના અંતિમ રાઉન્ડમાં વરસાદનું જોર યથાવત છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સોમવારે રાજ્યના 11 જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના છે. જેને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા છે. વરસાદ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
અમદાવાદ, કચ્છ, મોરબી, ડાંગ અને વડોદરા સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
પાછલા 24 કલાક દરમિયાન રાજ્યના 240 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 4.45 ઇંચ નોંધાયો છે. ભરૂચના વાલિયામાં 3.82 ઇંચ, વલસાડના નાનાપોંઢામાં 3.54 ઇંચ અને ધરમપુરમાં 3.43 ઇંચ વરસાદ ખાબક્યો છે.
રાજ્યના 9 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે 27 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત લગભગ 100 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.