સત્ય. સાહસ. સંકલ્પ.

કચ્છમાં ભારે વરસાદ: માંડવીમાં બે કલાકમાં 5 ઈંચ, સૌરાષ્ટ્રમાં પણ અસર

કચ્છમાં ભારે વરસાદ: માંડવીમાં બે કલાકમાં 5 ઈંચ, સૌરાષ્ટ્રમાં પણ અસર

ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદ પડ્યો છે. કચ્છના માંડવી તાલુકામાં આજે સવારે 8થી 10 વાગ્યા વચ્ચેના બે કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, જેના કારણે આખું વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયું છે.

રાજ્ય સરકારના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના જણાવ્યા મુજબ, સવારે 8થી 10 વાગ્યા દરમિયાન રાજ્યના 25 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. માંડવી ઉપરાંત કચ્છના મુન્દ્રામાં 0.79 ઈંચ, ભુજમાં 0.59 ઈંચ, નખત્રાણામાં 0.39 ઈંચ, લખપતમાં 0.35 ઈંચ, ગાંધીધામમાં 0.24 ઈંચ અને અંજારમાં 0.20 ઈંચ વરસાદ પડ્યો હતો. પોરબંદર, ઓખામંડળ, સુરત શહેર, કોડિનાર, જામનગર, રાણાવાવ, જાફરાબાદ અને ગીર સોમનાથમાં પણ હળવો વરસાદ થયો છે.

છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો કચ્છમાં સૌથી વધુ વરસાદ અંજારમાં 7.24 ઈંચ, ગાંધીધામમાં 4.61 ઈંચ અને ભચાઉમાં 4.41 ઈંચ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ભાવનગરના વલ્લભીપુરમાં 6.1 ઈંચ, જામનગર શહેરમાં 5.59 ઈંચ અને રાજકોટના કોટડા સાંગાણીમાં 5.2 ઈંચ વરસાદ વરસ્યો છે. જામનગર અને રાજકોટના અમુક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે (15 સપ્ટેમ્બર) સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં ભારે વરસાદનું જોર ઘટશે.

લોકોને સાવચેત રહેવા અને વરસાદી પાણીમાં ન ઉતરવાની સલાહ આપવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.