સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી, ખેડૂતોને રાહત

ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી, ખેડૂતોને રાહત

હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતો માટે રાહતભરી આગાહી કરી છે. રાજ્યમાં આવતીકાલથી 15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારમાં લો-પ્રેશર એરિયા યથાવત છે. તેની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાની સપાટીથી આશરે 9.4 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત હોવાથી રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેશે.

આવતીકાલે મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લા માટે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયો છે. આ ઉપરાંત, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.