હવામાન વિભાગે 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડી અને બાંગ્લાદેશ પાસે સર્જાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આજે 10 સપ્ટેમ્બરે લો-પ્રેશરમાં ફેરવાઈ શકે છે. તેના કારણે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.
અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.2 ડિગ્રી નોંધાયું છે. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.3 ડિગ્રી વધુ છે. અમદાવાદમાં આ સિઝનનો કુલ વરસાદ 595.7 મિમી થયો છે, જે સામાન્ય કરતાં 81.2 મિમી ઓછો છે.
આજે 10 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે. અમદાવાહ સહિત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે.
11 સપ્ટેમ્બરે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઈ શકે છે.
આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની ધારણા છે. સૌથી મહત્ત્વની આગાહી 12થી 15 સપ્ટેમ્બર વચ્ચેની છે. આ સમયગાળામાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરી નથી.
15 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 75.62 ટકા વરસાદ થયો છે, જે સામાન્ય કરતાં 19 ટકા ઓછો છે. ઝોન પ્રમાણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ સામે 104 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 75 ટકા, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 56 ટકા તથા કચ્છમાં માત્ર 29 ટકા વરસાદ થયો છે. રાજ્યના 23 જિલ્લામાં 1 ટકાથી લઈને 89 ટકા સુધી વરસાદની ઘટ જોવા મળી રહી છે.