અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની મોસમમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 19% ઓછો વરસાદ નોંધાયો છે, પરંતુ હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે, જે ખેડૂતો અને પાક માટે સંજીવની સમાન માનવામાં આવી રહ્યો છે.
હવામાન વિભાગ (IMD) અનુસાર, રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થવાની શક્યતા છે. પહેલી સિસ્ટમ ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશના દરિયાકાંઠે 5.8 કિ.મી.ની ઊંચાઈએ ફેલાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જે 10 સપ્ટેમ્બરે લો-પ્રેશરમાં ફેરવાઈ શકે છે. બીજી સિસ્ટમ સૌરાષ્ટ્ર-કચ્છ પર 5.8 થી 7.6 કિ.મી. વચ્ચે સક્રિય છે, અને ત્રીજી મોન્સૂન ટ્રફ, જે જમ્મુ, દહેરાદૂન, પંતનગર, બસ્તી, છાપરા, પુરુલિયા અને દીઘા થઈને પસાર થઈ રહી છે.
વરસાદનું જોર 12 સપ્ટેમ્બરથી શરૂ થશે, જેમાં દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તથા દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનો યલો એલર્ટ જારી કરવામાં આવ્યો છે.
13 સપ્ટેમ્બરે વરસાદનું ક્ષેત્ર વધુ વિસ્તૃત બનશે. આ દિવસે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ સહિતના મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદની આગાહી છે. 14 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં અત્યાર સુધી 515.7 મિ.મી. વરસાદ પડ્યો છે, જ્યારે સામાન્ય રીતે આ સમય સુધીમાં 639.1 મિ.મી. પડવો જોઈએ. આમ, 19% જેટલી વરસાદની ઘટ છે. આગામી ત્રણ દિવસનો વરસાદ અમુક અંશે આ ઘટને ઘટાડી શકે છે.
દરમિયાન, દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે 30થી 40 કિ.મી./કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે, જેની ગસ્ટિંગ સ્પીડ 50 કિ.મી./કલાક સુધી પહોંચી શકે છે. માછીમારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ આ સમયગાળા દરમિયાન દરિયામાં ન જાય.