રાજ્યમાં છેલ્લા એક મહિનાથી નોંધપાત્ર વરસાદ ન વરસતાં ખેડૂતો અને સરકારની ચિંતા વધી છે. 23 જિલ્લામાં સામાન્ય કરતાં વરસાદની ઘટ નોંધાઈ રહી છે. આ વચ્ચે હવામાન વિભાગે મોટી રાહતના સમાચાર આપ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્ય અને આસપાસ સર્જાયેલી ત્રણ અલગ અલગ સિસ્ટમના કારણે આગામી દિવસોમાં વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડી અને બાંગ્લાદેશ પાસે સર્જાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 10મી તારીખે લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક મોન્સૂન ટ્રફ સક્રિય છે. જેના કારણે 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં સિઝનમાં સરેરાશ સામે અત્યાર સુધી 75.62 ટકા વરસાદ વરસ્યો છે, જે સામાન્ય કરતાં 19 ટકા ઓછો છે. ઝોનવાઈઝ વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ સામે 104 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 75 ટકા, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 56 ટકા અને કચ્છમાં માત્ર 29 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના 23 જિલ્લામાં 1 ટકાથી લઈને 89 ટકા સુધીની વરસાદની ઘટ નોંધાઈ છે.
જોકે, આગાહી મુજબ વરસાદ પડશે તો આશરે 20 જિલ્લાના ખેડૂતોને રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદને લઈને અપડેટ રાખવા સૂચના આપી છે.