સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં 11મીથી વરસાદ વધશે: 12-13 સપ્ટેમ્બરે 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 11મીથી વરસાદ વધશે: 12-13 સપ્ટેમ્બરે 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ: છેલ્લા એક મહિનાથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે, જેના કારણે ખેડૂતો અને સરકાર ચિંતિત છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની સારી આગાહી આપી છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 11 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વધુ છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, 12 અને 13 સપ્ટેમ્બરે રાજ્યના 6 જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. આ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા છે. પવનની ઝડપ 15થી 25 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

અમદાવાદ શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવા વરસાદની શક્યતા છે. અમદાવાદમાં 8 સપ્ટેમ્બરે મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. સિઝનમાં અમદાવાદમાં 595.7 મિમી (23.42 ઈંચ) વરસાદ પડ્યો છે, જે સામાન્ય કરતાં 73.9 મિમી ઓછો છે.

રાજ્યમાં સિઝનનો સરેરાશ 75.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જોકે, 19 ટકા વરસાદની ઘટ છે. ઝોનવાઈઝ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ સામે 104 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 75 ટકા, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 56 ટકા અને કચ્છમાં 29 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના 23 જિલ્લામાં વરસાદની ઘટ 1 ટકાથી 89 ટકા સુધી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘટ વધુ હોવાના કારણે ખેડૂતો પાકને લઈને ચિંતિત છે. આ નવી સિસ્ટમને કારણે ખેડૂતોને રાહત મળી શકે છે, કારણ કે સપ્ટેમ્બરનો વરસાદ પાક માટે મહત્વનો છે.