સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં 15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં 12 ઇંચ સુધી પાણી પડી શકે

ગુજરાતમાં 15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં 12 ઇંચ સુધી પાણી પડી શકે

ગુજરાતમાં વરસાદનો નવો દોર શરૂ થયો છે. હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. બંનેના મતે 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર, સક્રિય મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ — આ ત્રણેય હવામાન પ્રણાલીઓ એકસાથે સક્રિય થતાં રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન ખાતાના તાજા બુલેટિન મુજબ આગામી 48 કલાક રાજ્યના મોટા ભાગના વિસ્તારો માટે મહત્ત્વના છે. આ સમયગાળામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

ગાંધીનગર અને અમદાવાદમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદ થઈ શકે છે.

દરિયાકાંઠાના વિસ્તારો માટે અલગ ચેતવણી જારી કરાઈ છે. માછીમારોને આગળની સૂચના મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે રાજ્યના વિવિધ પોર્ટ પર ભયસૂચક 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે વરસાદના આંકડા સાથે વિસ્તારવાર આગાહી કરી છે. આજે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ અને ધ્રાંગધ્રામાં સારો વરસાદ થવાની શક્યતા છે. મોરબી અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ પાણી પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની પૂરી શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થશે. આવતીકાલથી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં 12 ઇંચ સુધીનો અતિભારે વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા દ્વારકા, પોરબંદર અને જામનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યાં લગભગ 3 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં પણ 3 ઇંચ સુધી વરસાદ પડી શકે છે.

એકંદરે લો પ્રેશર, સક્રિય મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. નાગરિકોને હવામાન વિભાગની સત્તાવાર માહિતી પ્રમાણે જ આયોજન કરવા અને સાવચેત રહેવા જણાવાયું છે.