સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં 15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે છે

ગુજરાતમાં 15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે છે

ગાંધીનગર: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. રાજ્યના હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી કરી છે. રાજ્યમાં આજથી 15 સપ્ટેમ્બર સુધી અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો-પ્રેશર સિસ્ટમની અસરને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્યની સરખામણીએ 19 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.

12 સપ્ટેમ્બરે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. સુરત, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી છે.

13 સપ્ટેમ્બરે પણ અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ સિવાય આણંદ, વડોદરા અને પંચમહાલમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં પણ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, ડાંગ અને નવસારીમાં પણ વરસાદનું જોર જોવા મળી શકે છે.

સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી છે. બોટાદ, ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં વરસાદ વરસી શકે છે. જ્યારે રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. 14 સપ્ટેમ્બરે ફરી એકવાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવા પાછળ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો-પ્રેશર સિસ્ટમ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સિસ્ટમની અસરથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ સક્રિય થવાની શક્યતા છે. વરસાદી સિસ્ટમની અસરને ધ્યાનમાં રાખીને માછીમારોને આવનારા દિવસોમાં દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં વરસાદની સ્થિતિ સામાન્ય કરતાં ઓછી છે. અત્યાર સુધીમાં 19 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. આગામી દિવસોમાં આગાહી મુજબ વરસાદ થાય તો રાજ્યની વરસાદની ઘટમાં ઘટાડો થવાની શક્યતા છે.