સત્ય. સાહસ. સંકલ્પ.

બોરસદમાં 5.5 ઇંચ વરસાદ, અમદાવાદમાં ફરી જળબંબાકાર

બોરસદમાં 5.5 ઇંચ વરસાદ, અમદાવાદમાં ફરી જળબંબાકાર

ભાદરવા મહિનાની શરૂઆત સાથે જ રાજ્યભરમાં વરસાદે જોર પકડ્યું છે. બોરસદ તાલુકામાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ 240 તાલુકામાં મેઘમહેર થઈ છે.

અમદાવાદ અને વડોદરામાં ધોધમાર વરસાદ પડ્યો. નડિયાદ અને ભરૂચમાં રસ્તા પર પાણી નદીની જેમ વહેતાં થયાં, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી.

અમદાવાદના શેલા વિસ્તારમાં વરસાદી પાણીમાં એક સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. બસચાલકનો જીવ પણ જોખમમાં મુકાયો હતો. બાદમાં અન્ય બસ બોલાવીને વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

હાટકેશ્વરમાં ભારે વરસાદના કારણે ટ્રાફિકજામ થઈ ગયો હતો. સર્કલ પાણીમાં ગરકાવ થઈ ગયું અને રસ્તાઓ પર અનેક વાહનો ફસાયાં.

વડોદરાના પાદરા વિસ્તારમાં ચાલીને જતાં દાદી અને પૌત્રી ખાડામાં ખાબક્યાં. જાસપુર ચોકડી પાસે ગટર લાઈન નાખ્યા બાદ ખાડાનું યોગ્ય પુરાણ ન કરાતાં આ અકસ્માત સર્જાયો હતો.

વરસાદના કારણે અમદાવાદ એરપોર્ટ પર આજે ત્રણ ફ્લાઈટ્સ રદ થઈ છે, જેને લીધે મુસાફરોને ભારે હાલાકી પડી અને તેમણે એરલાઈન્સ સામે રોષ ઠાલવ્યો હતો.

બીજી તરફ રાજ્ય સહિત દેશભરમાં આજથી ગણેશોત્સવની ધૂમ મચી છે. વડોદરામાં ઈલોરા ગુફાની થીમ પર શ્રીજીનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. રાજકોટમાં ભાજપે 19મા વર્ષે વંદે માતરમ થીમ આધારિત પંડાલ તૈયાર કર્યો છે, જ્યાં ધારાસભ્ય સહિતના નેતાઓએ ગરબે ઘૂમીને બાપાનું સ્વાગત કર્યું હતું.

અન્ય એક ઘટનામાં સુરતના નાના વરાછા વિસ્તારમાં NRIVના બંધ બંગલામાં ચોરી કરવા ગયેલો ચોર સ્ટીલની ગ્રીલમાં ફસાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તેને દંડાથી ફટકાર્યો. બંગલામાંથી કંઈ મળ્યું નહીં, પણ લોકોએ ચોરને બરાબરનો મેથીપાક ચખાડ્યો.

વડોદરામાં એક પરિવારજનોએ પરિણીતાના ચારિત્ર્ય પર શંકા કરીને તેને ત્રાસ આપ્યો હતો. એસિડથી બાથરૂમ સાફ કરવાની ના પાડતાં સાસુએ પુત્રવધૂના મોઢા અને ગળા પર એસિડ ફેંક્યું હતું. મહિલાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

અમદાવાદના બોપલમાં રવિવારે મોડી રાત્રે પોલીસની નંબર પ્લેટ વાળી કારે અકસ્માત સર્જ્યો હતો. કારે એક પછી એક છ વાહનોને ટક્કર મારી હતી. કારચાલક નશામાં ચૂર હોવાનો સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે.

આજથી તરણેતરના વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. ઝાલાવાડની લોકપરંપરા અને લોકકલા સાથે ત્રણ દિવસીય ગ્રામીણ ઓલિમ્પિકનું પણ આયોજન થશે. મેળામાં અઢી લાખથી વધુ લોકોના ઉમટવાની અપેક્ષા છે.