ગુજરાતમાં ફરી એક વાર ભારે વરસાદનું જોખમ ઊભું થયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ચાર વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય થતાં કેટલાક જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની ઘટ વચ્ચે આ નવી સિસ્ટમ સક્રિય થઈ છે. લો-પ્રેશર, મોનસૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને નીચલા સ્તરે ફૂંકાતા પવનો – આ ચારેય પરિબળો વરસાદ માટે જવાબદાર મનાય છે.
12 સપ્ટેમ્બરની સ્થિતિ
શનિવારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ડાંગ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ અપાયું છે.
13 સપ્ટેમ્બર: 20 જિલ્લામાં એલર્ટ
રેડ એલર્ટ: નવસારી, વલસાડ.
ઓરેન્જ એલર્ટ: અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ.
યલો એલર્ટ: અમદાવાદ, પોરબંદર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, નર્મદા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર.
14 સપ્ટેમ્બરની આગાહી
ઓરેન્જ એલર્ટ: નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ.
યલો એલર્ટ: કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગ.
15 સપ્ટેમ્બરની આગાહી
જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે.
ચાર વરસાદી સિસ્ટમ કઈ રીતે સક્રિય છે?
લો-પ્રેશર: ઉત્તરપશ્ચિમ-મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા દક્ષિણ ઓડિશા-ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર સર્જાયેલું લો-પ્રેશર 12 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 08:30 વાગ્યે દક્ષિણ છત્તીસગઢ અને તેની આસપાસના વિસ્તાર પર સ્થિર થયું છે. તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ દરિયાઈ સપાટીથી 7.6 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલું છે, જે ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ નમેલું છે. આગામી 24 કલાકમાં તે દક્ષિણ છત્તીસગઢ અને વિદર્ભ થઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.
મોનસૂન ટ્રફ: સરેરાશ દરિયાઈ સપાટી પર મોનસૂન ટ્રફ હાલ જેસલમેર, રાજગઢ, બેતુલ, દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના લો-પ્રેશરના કેન્દ્ર, ગોપાલપુરથી પસાર થઈને પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મધ્ય-પૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને દરિયાઈ સપાટીથી 1.5 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: ઉત્તર પાકિસ્તાન અને તેને અડીને આવેલા જમ્મુ પર દરિયાઈ સપાટીથી 3.1 અને 4.5 કિ.મી.ની વચ્ચે ચક્રવાતી પરિભ્રમણ તરીકે 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' સક્રિય છે.
પવનની સ્થિતિ: નીચલા સ્તરે નૈઋત્યથી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આ સિસ્ટમોના કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના મોટા ભાગમાં વરસાદ પડી શકે છે. નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ હવામાન વિભાગની તાજી માહિતી પર નજર રાખે અને જરૂરી સાવચેતી રાખે.