હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાનો વધુ એક સક્રિય રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે. 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરાયા છે. ઉત્તર બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમથી આ વરસાદ આવશે.
હવામાન વિભાગના બુલેટિન મુજબ, ઉત્તર બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં એક લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. 10 અને 11 સપ્ટેમ્બરે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ બાદ 12 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે.
12 સપ્ટેમ્બર: દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેવા કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ પડશે. દમણમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
13 સપ્ટેમ્બર: વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓ માટે ગાજવીજ સાથે વરસાદનું યેલો એલર્ટ આપ્યું છે. ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ રહેશે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં યેલો એલર્ટ રહેશે. સૌરાષ્ટ્ર અને દીવમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદનું યેલો એલર્ટ રહેશે.
14 સપ્ટેમ્બર: દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું સંકટ યથાવત રહેશે. ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ રહેશે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં યેલો એલર્ટ રહેશે.
15 સપ્ટેમ્બર: વરસાદનું મુખ્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર તરફ રહેશે, જેમાં પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે. આ દિવસે આ જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરાયો છે.
હવામાન કચેરીએ વધુમાં ચેતવણી આપી છે કે આ સમયગાળા દરમિયાન છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડું અને સપાટી પર 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે.