સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી, 9 જિલ્લામાં યલો એલર્ટ

ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી, 9 જિલ્લામાં યલો એલર્ટ

ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો અને નાગરિકો માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યમાં આગામી 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન સાર્વત્રિક અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં લો-પ્રેસર, અપર એર સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફ એમ ત્રણ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય થતાં શનિવારથી ત્રણ દિવસ માટે રાજ્યમાં 'યલો' અને 'ઓરેન્જ' એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 12 સપ્ટેમ્બરે પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના નવ જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે. 13 સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદના પગલે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. તે જ દિવસે અમદાવાદ સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે. 15 સપ્ટેમ્બરે પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ પડી શકે છે.

દરિયામાં સર્જાયેલી સ્થિતિને પગલે માછીમારોને 13 અને 14 સપ્ટેમ્બર દરમિયાન દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. હાલ રાજ્યમાં સિઝનના વરસાદમાં 28 ટકા જેટલી ખાધ નોંધાઈ છે, જે આ નવી સિસ્ટમથી પૂરી થાય તેવી આશા છે.

હવામાન વિભાગ મુજબ હાલમાં બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે. આ સિસ્ટમ 11 સપ્ટેમ્બરે લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થશે. ત્યારબાદ તે પશ્ચિમ તરફ આગળ વધીને મધ્યપ્રદેશ તરફ જશે. આ સિસ્ટમની અસરથી 12 સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદ શરૂ થવાની શક્યતા છે.

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક હવામાન મોડલ મુજબ જો લો પ્રેશર સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે તો રાજ્યમાં આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. ગુજરાત રિજ્યનથી લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની અસર જોવા મળી શકે છે.

સ્થાનિક સ્તરે વરસાદી ઝાપટાં શરૂ થયા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, વીજપડી અને ખડસલી પંથકમાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો છે. આ સિવાય વડોદરાના ડભોઇ અને તેના ગ્રામ્ય વિસ્તારો જેવા કે થુવાવી, વેગા અને ફરતી કુઇમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ ઉપરાંત રાજકોટના ઉપલેટા પંથકમાં પણ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં આનંદની લહેર ફરી વળી છે.