સત્ય. સાહસ. સંકલ્પ.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ: ઉકાઈમાં 11.81 ઇંચ, 193 તાલુકા પ્રભાવિત

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ: ઉકાઈમાં 11.81 ઇંચ, 193 તાલુકા પ્રભાવિત

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. તાપી જિલ્લાના ઉકાઈ તાલુકામાં સૌથી વધુ 11.81 ઇંચ (300 મિમી) વરસાદ નોંધાયો છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. સુરતના ઉમરપાડામાં 8.35 ઇંચ (212 મિમી), ડાંગના સુબિરમાં 5.71 ઇંચ (145 મિમી) અને વાઘઈમાં 5.67 ઇંચ (144 મિમી) વરસાદ પડ્યો છે. કુલ 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ: તાપીના સોનગઢમાં 5.51 ઇંચ (140 મિમી) અને ઉચ્છલમાં 3.98 ઇંચ (101 મિમી), સુરતના ચોર્યાસીમાં 4.41 ઇંચ (112 મિમી), ઓલપાડ અને સુરત શહેરમાં 2.72 થી 2.80 ઇંચ (71-69 મિમી), ડાંગ-આહવામાં 4.37 ઇંચ (111 મિમી), નર્મદાના ડેડીયાપાડામાં 4.25 ઇંચ (108 મિમી) અને ચીકડામાં 3.46 ઇંચ (88 મિમી), ભરૂચના અંકલેશ્વરમાં 3.35 ઇંચ (85 મિમી) અને ભરૂચ શહેરમાં 2.87 ઇંચ (73 મિમી), ભાવનગરના ઘોઘામાં 3.23 ઇંચ (82 મિમી) અને ભાવનગર શહેરમાં 1.77 ઇંચ (45 મિમી), નર્મદાના તિલકવાડામાં 3.19 ઇંચ (81 મિમી), સાગબારામાં 2.76 ઇંચ (70 મિમી), નંદોડમાં 2.48 ઇંચ (63 મિમી), ભરૂચના હાંસોટમાં 2.76 ઇંચ (70 મિમી) અને વાલિયામાં 2.64 ઇંચ (67 મિમી), નવસારીના વાંસદામાં 2.80 ઇંચ (71 મિમી) વરસાદ નોંધાયો છે.

ખેડા, આણંદ અને પંચમહાલ જિલ્લામાં પણ સારો વરસાદ: ખેડાના નડિયાદમાં 2.48 ઇંચ (63 મિમી), આણંદમાં 2.36 ઇંચ (60 મિમી), પંચમહાલના મોરવા હડફમાં 2.05 ઇંચ (52 મિમી), છોટાઉદેપુરના નાસવાડીમાં 1.77 ઇંચ (45 મિમી), અને મહેસાણાના સાતરસણ તથા બનાસકાંઠાના હડદ પંથકમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહ્યું છે. પાટણના સિદ્ધપુર, સામી, અમદાવાદના બાવળા, માંડલ, મહેસાણાના ખેરાલુ અને વિસનગરમાં માત્ર 0.04 ઇંચ (1 મિમી) વરસાદ નોંધાયો છે.

અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં પાલડી, વિશાલા, વાસણા, બલોલ નગર, રાણીપ, નવાવાડજ, અખબાર નગર, મકરબા, સરખેજ, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થયો છે.

છોટાઉદેપુર જિલ્લામાં લાંબા વિરામ બાદ શનિવારે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. છોટાઉદેપુર, પાનવડ અને બોડેલી પંથકમાં ધીમીધારે વરસાદ થયો છે. દોઢ માસના વરસાદી વિરામથી ચિંતિત ખેડૂતોમાં હરખની લહેર છે, કારણ કે મોટાભાગના ખેડૂતો ચોમાસુ પાક પર નિર્ભર છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસતાં પાકને જીવનદાન મળવાની આશા બંધાઈ છે.