અલ નીનોની અસર હવે વધુ મજબૂત બની રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અલ નીનો 'વેરી સ્ટ્રોંગ' કે 'સુપર સ્ટ્રોંગ' તબક્કે પહોંચી રહ્યો છે. તેના કારણે ભારતમાં વરસાદમાં 13 ટકાની ખાધ નોંધાઈ છે. આગામી 31 ઓક્ટોબર સુધી વરસાદ સામાન્ય કરતાં ઘણો ઓછો રહેવાની અને તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે વધુ રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. રાજકોટમાં 40.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જે દેશમાં સૌથી વધુ છે. રાજસ્થાનના રણપ્રદેશ કે કચ્છના રણ કરતાં પણ રાજકોટમાં વધુ ગરમી પડી રહી છે. છેલ્લા 25 વર્ષમાં આ સૌથી વધુ તાપમાન છે. 2011 પછી માત્ર 2020માં જ તાપમાન 40.2 ડિગ્રી સુધી પહોંચ્યું હતું, જ્યારે આ વર્ષે વારંવાર પારો 40 ડિગ્રીને પાર જઈ રહ્યો છે.
રાજ્યભરમાં કાળઝાળ ગરમી યથાવત છે. કંડલામાં 39.5 ડિગ્રી, જ્યારે સુરેન્દ્રનગર, ભુજ, નલિયા અને ડીસામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કેશોદ, પોરબંદર, વલ્લભવિદ્યાનગર, વડોદરા અને સુરતમાં 38 ડિગ્રી તથા અમદાવાદ અને અમરેલીમાં 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું.
હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હોવા છતાં માત્ર સુરતમાં 1-2 મિલીમીટર જેટલા છાંટા પડ્યા હતા, બાકીના વિસ્તારોમાં વરસાદ નોંધાયો નથી. 22 ઓક્ટોબરે પણ છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે. જોકે, એકંદરે દિવાળી સુધી હવામાન શુષ્ક અને સામાન્ય કરતાં વધુ ગરમ રહેશે. દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા સર્જાયું છે, પરંતુ તેની ગુજરાત પર અસર થવાની શક્યતા નહિવત્ છે.