ચોમાસાની વિદાય બાદ ગુજરાતમાં ગરમી ફરી ઊંચકાઈ છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યના નવથી વધુ મુખ્ય શહેરોમાં તાપમાન 35°Cને પાર પહોંચ્યું છે. ઓક્ટોબર મહિનામાં આટલી ગરમી અસામાન્ય ગણાય છે.
સૌથી વધુ તાપમાન રાજકોટમાં 38.1°C નોંધાયું છે, જે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. અમદાવાદમાં 37.4°C, વડોદરામાં 37.2°C અને ડીસામાં 37°C તાપમાન નોંધાયું છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં 36.4°C, ભાવનગરમાં 36.2°C, ગાંધીનગરમાં 36°C, ભૂજમાં 35.4°C અને પોરબંદરમાં 35°C તાપમાન જોવા મળ્યું છે.
સામાન્ય રીતે ઓક્ટોબરની શરૂઆતમાં ઠંડી ધીમે ધીમે વધવા લાગે છે, પરંતુ આ વર્ષે ચોમાસા બાદ તાપમાનમાં અણધાર્યો ઉછાળો જોવા મળ્યો છે. સવારે હળવી ઠંડી અને બપોરે આકરા તાપને કારણે લોકોને અકળામણ થાય છે.
નિષ્ણાતોના મતે આ સ્થિતિ ચિંતાજનક છે. લાંબા સમય સુધી આટલી ગરમી રહે તો લોકોને લૂ લાગવા, ડિહાઇડ્રેશન અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તેથી લોકોને પર્યાપ્ત પાણી પીવા, સુતરાઉ કપડાં પહેરવા અને બિનજરૂરી રીતે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગ આગામી દિવસોમાં ગરમી અંગે વધુ માહિતી જાહેર કરશે.