ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ ગરમી અને બફારાએ લોકોને હેરાન કર્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં તાપમાન સામાન્ય કરતાં 1 થી 2 ડિગ્રી વધારે નોંધાયું છે. અમદાવાદ શહેરમાં આજે આકાશ સાફ રહેશે અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે જણાવ્યું કે હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે ગરમીનો અનુભવ થાય છે, પરંતુ વાસ્તવમાં તાપમાન સામાન્ય કરતાં માત્ર 1 થી 2 ડિગ્રી જ વધારે છે. તેમણે ઉમેર્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 12 ઓક્ટોબર સુધી રાજ્યમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની શક્યતા છે. આગામી બે દિવસ દરમિયાન રાજ્યના હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હાલ કોઈ નોંધપાત્ર પરિવર્તનની આગાહી નથી.