રાજ્યમાં વરસાદના લાંબા વિરામથી ગરમીનો પારો ઊંચકાયો છે. 3 સપ્ટેમ્બરે ભાવનગર 36.3°C સાથે રાજ્યમાં સૌથી ગરમ રહ્યું, જ્યારે અમદાવાદ 33.8°C સાથે આઠમાં નંબરે પહોંચ્યું છે. ચોમાસામાં પણ ઉનાળા જેવો બફારો અને ઉકળાટ થઈ રહ્યો છે.
હવામાન વિભાગે 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ જેવા કે સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા અને છોટાઉદેપુરમાં આગામી કેટલાક દિવસોમાં થોડા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. હાલમાં ભારે વરસાદની કોઈ ચેતવણી નથી.
ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા રચાયું છે. આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં દક્ષિણ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના સરહદી વિસ્તારો તરફ આગળ વધવાની શક્યતા છે. આ સાથે અરબી સમુદ્રથી ગુજરાત પર થઈને પસાર થતી ટ્રફના કારણે રાજ્યમાં ચોમાસાની સ્થિતિ સક્રિય રહેવાની સંભાવના છે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારોની વાત કરીએ તો, આગામી સમયમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સમગ્ર સીઝન દરમિયાન 1 જૂનથી અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ 595.7 મિમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 8 અને 9 દિવસો માટે પણ વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી.