સત્ય. સાહસ. સંકલ્પ.

ટ્રાફિક નિયમો પર હાઈકોર્ટ સખત: હેલ્મેટ વગર ડ્રાઈવિંગ અને ડમ્પર અકસ્માતો પર ચિંતા

ટ્રાફિક નિયમો પર હાઈકોર્ટ સખત: હેલ્મેટ વગર ડ્રાઈવિંગ અને ડમ્પર અકસ્માતો પર ચિંતા

અમદાવાદમાં ટ્રાફિક અને માર્ગ સુરક્ષાની બગડતી સ્થિતિને લઈને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્રને આકરા શબ્દોમાં ઠપકો આપ્યો છે. એક્ટિંગ ચીફ જસ્ટિસની બેન્ચે સુઓ મોટુ સુનાવણી દરમિયાન હેલ્મેટના નિયમોના અમલ ન થવા અને ડમ્પર અકસ્માતો અંગે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી.

ખાસ કરીને પાંજરાપોળ ચાર રસ્તા પર ફ્લાયઓવર બ્રિજ અને ત્યાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને કોર્ટે સરકાર પાસે કડક શબ્દોમાં ખુલાસો માંગ્યો હતો.

હેલ્મેટ અને ડમ્પર અકસ્માતો અંગે હાઈકોર્ટે જણાવ્યું કે, 'દેશમાં કદાચ આપણે જ એકમાત્ર રાજ્ય છીએ, જ્યાં અનેક લોકો હેલ્મેટ વિના વાહનો ચલાવે છે. બીજા રાજ્યોમાં વાહન ચાલક અને પાછળ બેસનારા બંને માટે હેલ્મેટ ફરજિયાત છે, તો ગુજરાતમાં તેનો અમલ કેમ થતો નથી? દર બીજા દિવસે ડમ્પર અને ટુ-વ્હીલર વચ્ચેના અકસ્માતોમાં લોકો જીવ ગુમાવે છે, જેમાં હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકો વધુ ભોગ બને છે. આ ઉપરાંત રસ્તા પર દોડતા ડમ્પરો પર નંબર પ્લેટ પણ નથી હોતી, જે ગંભીર ચિંતાનો વિષય છે.'

ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા હાઈકોર્ટે ટકોર કરી કે, 'રસ્તા પર દર બીજી વ્યક્તિ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતી દેખાય છે. પોલીસ તેમની સામે કોઈ કાર્યવાહી કરતી નથી. હવે તો લોકો ચાલુ વાહને વીડિયો કૉલ કરે છે અને કારના ડેશબોર્ડ પર મોબાઈલ મૂકીને મુવી જોતા જોતા ડ્રાઈવિંગ કરે છે. બીજા રાજ્યોમાંથી આવતા જજ પણ ગુજરાતની આ સ્થિતિ જોઈને ચોંકી જાય છે અને પૂછે છે કે શું તમારા રાજ્યમાં કોઈ હેલ્મેટ નથી પહેરતું?'

આ સુનાવણીમાં ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને ટ્રાફિક નિયંત્રણ માટે લેવાયેલા પગલાંની માહિતી આપી હતી. સરકારે જણાવ્યું કે, 'શહેરોમાં ટ્રાફિક સુચારૂ બનાવવા માટે 650 ટ્રાફિક જવાનોની ભરતી કરાઈ છે. આ ઉપરાંત TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનોને 30 દિવસની ખાસ ટ્રાફિક તાલીમ આપીને ટ્રાફિક નિયંત્રણની કામગીરીમાં તહેનાત કરાશે.'