અમદાવાદ: રસ્તા પર રખડતા કુતરા અને ઢોર અંગે ગુજરાત સરકાર પાસે 17 જિલ્લાઓનો કોઈ ડેટા નથી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે સુઓમોટો અરજીની સુનાવણી કરી અને રાજ્ય સરકારને 30 ઓક્ટોબર સુધીમાં ડેટા ભેગો કરીને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠે નેશનલ હાઈવે ઓથોરિટીને પણ આકરા સવાલો કર્યા હતા. કોર્ટે પૂછ્યું કે, થોડા દિવસ પહેલા જ નેશનલ હાઈવે પર અચાનક ગાયો આવી જતાં ગંભીર અકસ્માત થયો હતો, જેમાં 3 થી 4 લોકોના મોત થયા હતા. તો હાઈવે પર આવા બનાવો ન બને તેની જવાબદારી કોની ગણાય? હાઈવે ઓથોરિટીએ ત્યારબાદ શું પગલાં લીધાં? જો ઢોરને પકડીને પાછા તેના માલિકને સોંપી દેવામાં આવે તો એવી તપાસનો અર્થ નથી. ઢોરને નિયંત્રણમાં રાખવા માટે તમારી પાસે કોઈ યુક્તિ જ નથી.
નેશનલ હાઈવે ઓથોરિટીએ પોતાની જવાબદારી સરકાર પર ઢોળી દેતાં રજૂઆત કરી હતી કે, ઢોરને ગૌશાળામાં મૂકવા કે માલિકોને દંડ કરવાની જવાબદારી સરકારની છે. સરકારે કોર્ટ સમક્ષ વિકલ્પો રજૂ કરતાં દલીલ કરી હતી કે, જો ઢોર પકડાય તો માલિકને ભારે રકમનો દંડ કરવો જોઈએ અથવા હાઈવે પર ન આવે તે માટે બંને તરફના રસ્તા પર રેલિંગ કરીને બંધ કરવા જોઈએ.
હાઈકોર્ટે ટકોર કરી હતી કે, દુનિયાની સૌથી સલામત ગણાતી રેન્જ રોવર કારમાં સફર કરતા મુસાફરો મરી ગયા તો બીજા કોણ સલામત રહે? હાઈવે પર વચ્ચે વિકસાવવામાં આવેલી હરિયાળી તરફ આકર્ષાઈને ગાયો કે ભેંસો ખાવા આવતી હોય છે. હાઈવે પર વાહનો 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતા હોવાથી જો અચાનક ઢોર રોડ પર આવે તો મોટો અકસ્માત થાય. બેરીકેડ મૂકીને ગાયોને રોકી શકાય, પરંતુ કુતરાઓને રોકી શકાય નહીં.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટને જવાબદારી સોંપી છે અને 30 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો છે. તેથી હાઈકોર્ટે રાજ્ય સરકારને 17 જિલ્લાઓનો ડેટા તાત્કાલિક ભેગો કરીને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે.