સત્ય. સાહસ. સંકલ્પ.

રખડતાં કૂતરાંના ખસીકરણ પર હાઇકોર્ટમાં સરકારનો જવાબ: હજુ કેટલાક જિલ્લામાં ABC સેન્ટર નથી

રખડતાં કૂતરાંના ખસીકરણ પર હાઇકોર્ટમાં સરકારનો જવાબ: હજુ કેટલાક જિલ્લામાં ABC સેન્ટર નથી

ગુજરાત હાઇકોર્ટે રખડતાં કૂતરાંના ખસીકરણ (સ્ટેરિલાઇઝેશન) અને રસીકરણના મુદ્દે ગુજરાત સરકારને દર ચાર મહિને અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે. આ આદેશ સુપ્રીમ કોર્ટના નિર્દેશને આધારે આપવામાં આવ્યો છે, જેમાં રખડતાં કૂતરાં અને ઢોર અંગે રાજ્ય સરકારે શું પગલાં લીધાં છે તેની સમયાંતરે સમીક્ષા કરવાનું કહેવાયું હતું.

ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ આ મામલે સુનાવણી થઈ, જેમાં સરકારે સોગંદનામું રજૂ કર્યું. સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશ મુજબ સંબંધિત વિભાગના ચીફ સેક્રેટરીએ કોર્પોરેશન અને નગરપાલિકાઓ સાથે સમન્વય સાધીને આ અહેવાલ તૈયાર કરાવવાનો હોય છે.

સુનાવણીમાં અરજદાર વતી ઍડ્વોકેટ મેધા જાનીએ જણાવ્યું કે કૂતરાંના ખસીકરણ અને રસીકરણ અંગે કોર્પોરેશનો પાસેથી મળેલો ડેટા જ કોર્ટમાં રજૂ કરાયો છે. છેલ્લા છ મહિનામાં કયા જિલ્લામાં કેટલાં કૂતરાંનું ખસીકરણ અને રસીકરણ થયું તેનો ડેટા સરકારે માત્ર 17 જિલ્લા માટે આપ્યો છે. બાકીના 17 જિલ્લાનો ડેટા સરકાર પાસે ઉપલબ્ધ નથી, તેવી અરજદારે દલીલ કરી હતી.

અરજદારે એ પણ કહ્યું કે કૂતરાંની વસતી નિયંત્રણમાં લેવા માટે સરકાર કયાં પગલાં લઈ રહી છે તે સ્પષ્ટ થવું જોઈએ. કૂતરાંને કઈ રસી આપવામાં આવે છે, તે કંપનીની છે અને તેની કોઈ આડઅસર થાય છે કે નહીં તે અંગે પણ હાઇકોર્ટે વધુ વિગતો માંગી છે.

જવાબમાં ગુજરાત સરકારે કોર્ટને જણાવ્યું કે હાલ કેટલાક જિલ્લામાં એનિમલ બર્થ કંટ્રોલ (ABC) સેન્ટર નથી, તેથી ત્યાંનો સીધો ડેટા મળી શક્યો નથી. વડોદરામાં કૂતરાંના ખસીકરણ માટે મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા છે, તેથી આસપાસના જિલ્લાનાં રખડતાં કૂતરાંને વડોદરા લઈ જઈને ખસીકરણ કરાયું હતું. એટલે કેટલાક જિલ્લાનો ડેટા શૂન્ય દર્શાવાયો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ત્યાં ખસીકરણ થયું જ નથી. સરકારે દાવો કર્યો કે ખસીકરણની કામગીરી દરેક જિલ્લામાં કરવામાં આવી છે.

હાઇકોર્ટે આ અંગે સવાલ કર્યો કે જો સુપ્રીમ કોર્ટમાં જવાબ આપવાનો થશે તો ત્યાં પણ કેટલાક જિલ્લાનો ડેટા શૂન્ય દર્શાવવામાં આવશે કે કેમ.

સરકારે કોર્ટને વધુમાં જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાજ્યની કુલ 79,150 ઑફિસ અને સંસ્થાઓમાં તપાસ કરાઈ છે. આમાં શાળાઓ, આંગણવાડીઓ, હૉસ્પિટલો, બસ ડેપો અને ગ્રામ પંચાયતની ઑફિસોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં રખડતાં કૂતરાંનું રસીકરણ અને ખસીકરણ કરાયું છે.

આ કામગીરીના સંચાલન માટે વધુ છથી સાત નોડલ ઑફિસરોની નિમણૂક કરવામાં આવી છે અને આ તમામ સંસ્થાઓમાં નિયમિત તપાસ થાય છે. સરકારનો દાવો છે કે રસીકરણ અને ખસીકરણ બાદ આ સંસ્થાઓના પરિસરમાં કૂતરાંની સંખ્યા વધી નથી અને 114 જેટલી શૈક્ષણિક સંસ્થાઓને રખડતાં કૂતરાંથી સંપૂર્ણપણે મુક્ત કરાઈ છે.

સરકારે તમામ જિલ્લાનો સંપૂર્ણ ડેટા એકત્ર કરીને કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે થોડો વધુ સમય માંગ્યો હતો. હાઇકોર્ટે સરકારને યોગ્ય આદેશ આપીને આ કેસની વધુ સુનાવણી આવતા અઠવાડિયે રાખી છે.