સત્ય. સાહસ. સંકલ્પ.

રખડતા શ્વાન મુદ્દે હાઈકોર્ટ સખત: 34માંથી માત્ર 17 જિલ્લાનો ડેટા, રસી અને ખસીકરણની વિગતો પણ અધૂરી

રખડતા શ્વાન મુદ્દે હાઈકોર્ટ સખત: 34માંથી માત્ર 17 જિલ્લાનો ડેટા, રસી અને ખસીકરણની વિગતો પણ અધૂરી

ગુજરાતમાં રખડતા શ્વાનની વધતી સમસ્યા અંગે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી સુઓમોટો સુનાવણીમાં મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ રજૂ કરેલા એફિડેવિટ પર હાઈકોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટના મતે, રખડતા શ્વાનના ખસીકરણ (નસબંધી) અને રસીકરણ સંબંધિત જે આંકડા રજૂ કરવામાં આવ્યા છે તે અત્યંત અધૂરા અને અપૂરતા છે.

છેલ્લા છ મહિનાની કામગીરીની વિગતોમાં રાજ્યના કુલ 34 જિલ્લાઓમાંથી માત્ર 17 જિલ્લાનો જ ડેટા રજૂ કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના 17 જિલ્લાની માહિતી ગેરહાજર છે. આનાથી રાજ્ય સરકારની કામગીરીની પારદર્શિતા અને અસરકારકતા પર સવાલો ઊભા થયા છે. સુનાવણી દરમિયાન એ પણ ધ્યાનમાં આવ્યું કે કેટલાક જિલ્લાઓમાં એનિમલ બર્થ કન્ટ્રોલ (ABC) સેન્ટરનો અભાવ છે, જે શ્વાનની વસ્તી નિયંત્રણ માટે અત્યંત જરૂરી છે.

હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું છે કે રખડતા શ્વાનની વસ્તી નિયંત્રિત કરવા માટે કયા ચોક્કસ પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, શ્વાનને આપવામાં આવતી રસી કઈ કંપની દ્વારા બનાવવામાં આવે છે અને તેનાથી કોઈ સંભવિત આડઅસર થઈ શકે છે કે કેમ, તેની વિગતો પણ કોર્ટે માંગી છે. અરજદાર પક્ષે પણ જિલ્લાવાર કામગીરીના અધૂરા આંકડાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સમગ્ર મામલે આગામી અઠવાડિયે ગુજરાત હાઈકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરાશે, જ્યાં વધુ ખુલાસા થવાની સંભાવના છે.