સત્ય. સાહસ. સંકલ્પ.

MBBS પ્રવેશ: ધોરણ 10-12 રાજ્ય બહાર કરનારને ગુજરાત સ્ટેટ ક્વોટા નહીં મળે, હાઈકોર્ટનો ચુકાદો

MBBS પ્રવેશ: ધોરણ 10-12 રાજ્ય બહાર કરનારને ગુજરાત સ્ટેટ ક્વોટા નહીં મળે, હાઈકોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે MBBS પ્રવેશ અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. ચુકાદા પ્રમાણે, ગુજરાતમાં જન્મેલા અને NEETમાં ઉચ્ચ સ્કોર મેળવનાર વિદ્યાર્થીને પણ જો તેણે ધોરણ 10 અને 12 રાજ્ય બહાર પાસ કર્યા હોય, તો તેને રાજ્યના ડોમિસાઇલ ક્વોટાનો લાભ મળશે નહીં. આવા વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળ જ પ્રવેશ મેળવવો પડશે.

શું હતો સમગ્ર મામલો?
ખાનગી બેંકમાં ફરજ બજાવતા SC કેટેગરીના એક અધિકારીના પુત્રનો જન્મ ગુજરાતમાં થયો હતો. પિતાની બદલી મહારાષ્ટ્રના પુણે ખાતે થતાં તેણે ધોરણ 10 અને 12નું ભણતર ત્યાંથી પૂરું કર્યું હતું. ત્યારબાદ તેણે NEET પરીક્ષામાં શ્રેષ્ઠ ગુણ મેળવ્યા, જે SC અનામત કેટેગરીના કટ-ઓફ કરતાં પણ વધુ હતા. વિદ્યાર્થીએ ગુજરાતના સ્ટેટ ક્વોટા હેઠળ MBBSમાં પ્રવેશ માટે અરજી કરી હતી. પરંતુ રાજ્યના પ્રવેશ નિયમો મુજબ તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. તંત્રના આ નિર્ણય સામે વિદ્યાર્થીએ હાઇકોર્ટના સિંગલ જજ સમક્ષ પિટિશન દાખલ કરી હતી. સિંગલ જજે અરજી ફગાવી દેતાં આ નિર્ણયને ડિવિઝન બેંચમાં પડકારવામાં આવ્યો હતો.

હાઇકોર્ટની મહત્વની ટિપ્પણી અને નિર્ણય
ડિવિઝન બેંચ સમક્ષ અરજદાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે, "વિદ્યાર્થીનો જન્મ ગુજરાતમાં થયો છે અને તેની પાસે ડોમિસાઇલ છે. તદુપરાંત, તેણે હાઇએસ્ટ સ્કોર મેળવ્યો છે. પિતાની બદલી નોકરીના ભાગરૂપે થઈ હોવાથી તેને સ્થાનિક ક્વોટાથી વંચિત રાખવો અન્યાયી છે."

સામે પક્ષે રાજ્ય સરકારે નીતિગત નિયમોનો હવાલો આપતાં સ્પષ્ટ કર્યું કે, માત્ર રાજ્ય સરકારના કર્મચારીઓ કે જેઓ ડેપ્યુટેશન પર બહાર ગયા હોય, અથવા ONGC કે નેવી જેવા અમુક ચોક્કસ સરકારી સંસ્થાઓના કર્મચારીઓના બાળકોને જ આવી છૂટછાટ મળે છે. અન્ય બેંક કે સંસ્થાઓના બદલીપાત્ર કર્મચારીઓ માટે આ સવલત નથી.

બંને પક્ષોને સાંભળ્યા બાદ ડિવિઝન બેંચે પણ સિંગલ જજના ચુકાદાને બહાલી આપતાં ઠેરવ્યું કે, ધોરણ 10 અને 12 રાજ્ય બહાર પાસ કરનારને વર્તમાન નીતિ મુજબ સ્થાનિક વિદ્યાર્થી ગણી શકાય નહીં. આવા વિદ્યાર્થીઓએ માત્ર ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળ જ પ્રવેશ મેળવવો પડશે.