સત્ય. સાહસ. સંકલ્પ.

FIR પેન્ડિંગ હોવા છતાં ગ્રેચ્યુઇટી રોકી શકાય નહીં: ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

FIR પેન્ડિંગ હોવા છતાં ગ્રેચ્યુઇટી રોકી શકાય નહીં: ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે નિવૃત્ત કર્મચારીની ગ્રેચ્યુઇટી રોકવાના મામલે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કર્મચારી સામે FIR પેન્ડિંગ હોવાના કારણે તેની ગ્રેચ્યુઇટી અટકાવવામાં આવી હતી. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર FIR પેન્ડિંગ હોવાને આધારે કર્મચારીની ગ્રેચ્યુઇટી રોકી શકાય નહીં.

ગ્રેચ્યુઇટી એ કર્મચારીને નોકરીની નિર્ધારિત શરતો પૂર્ણ કર્યા બાદ મળતી રકમ છે, જે સામાન્ય રીતે નિવૃત્તિ સમયે ચૂકવવામાં આવે છે. કર્મચારીને કેટલી ગ્રેચ્યુઇટી મળશે તે તેના પગાર, નોકરીના સમયગાળા અને લાગુ નિયમો પર આધાર રાખે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, આ કર્મચારી સામે વર્ષ 2017માં ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીમાં નાણાકીય ગેરરીતિઓના આરોપસર FIR નોંધાઈ હતી. કર્મચારી આ સોસાયટીમાં હોદ્દેદાર હતો. આ કારણસર તેને ફોજદારી કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો.

સંબંધિત કર્મચારી મે 2025માં નિવૃત્ત થયો હતો. નિવૃત્તિ બાદ વિભાગે તેની સામે FIR પેન્ડિંગ હોવાનું કારણ આપીને ગ્રેચ્યુઇટીની રકમ રોકી દીધી હતી. ત્યારબાદ કર્મચારીએ આ મામલે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

સૂત્રો અનુસાર, અરવલ્લી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવી ચૂકેલા આ કર્મચારીની વર્ષ 1991માં તાલુકા વિકાસ કચેરીમાં પ્યુન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ નોકરી દરમિયાન તેને પ્રમોશન મળ્યું હતું અને તે સિનિયર ક્લાર્ક બન્યો હતો. નોકરી દરમિયાન તેઓ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીમાં પણ હોદ્દેદાર હતા.

આ મામલાની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નોંધ્યું કે કર્મચારી સામે કોઈ વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી નહોતી. આ ઉપરાંત, સોસાયટીમાં થયેલી કથિત ગેરરીતિઓને કર્મચારીની સરકારી નોકરી સાથે કોઈ સીધો સંબંધ નહોતો. હાઈકોર્ટે જણાવ્યું કે ગ્રેચ્યુઇટી એ કર્મચારીને વર્ષો સુધી કરેલી સેવાના બદલામાં મળતો લાભ છે, તેથી તેની ચુકવણી રોકવા માટે કાયદેસર આધાર હોવો જરૂરી છે. માત્ર FIR પેન્ડિંગ હોવાના આધારે કર્મચારીની ગ્રેચ્યુઇટી રોકી શકાય નહીં.

મામલાની સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે સંબંધિત અધિકારીઓને કર્મચારીની ગ્રેચ્યુઇટીની રકમ આઠ અઠવાડિયાની અંદર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.