સત્ય. સાહસ. સંકલ્પ.

દહેજ અને ઘરેલુ હિંસાના કેસોમાં હવે વિલંબ નહીં: ગુજરાત હાઇકોર્ટની નવી ગાઇડલાઇનથી ઝડપી ન્યાયની આશા

દહેજ અને ઘરેલુ હિંસાના કેસોમાં હવે વિલંબ નહીં: ગુજરાત હાઇકોર્ટની નવી ગાઇડલાઇનથી ઝડપી ન્યાયની આશા

અમદાવાદમાં દહેજ અને ઘરેલુ હિંસાના કેસોમાં વિલંબને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ગાઇડલાઇન જારી કરી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશના પગલે આ ગાઇડલાઇન જિલ્લા અદાલતોના ન્યાયિક અધિકારીઓને મોકલવામાં આવી છે. જેમાં ત્રણ વર્ષથી વધુ સમયથી પડતર કેસોની ઓળખ કરી તેની સમયાંતરે સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું છે. ઉપરાંત, સાક્ષીઓની જુબાની માટે અગાઉથી કાર્યક્રમ તૈયાર કરવા અને કેસનો ઝડપી નિકાલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ પગલાને કાયદાના નિષ્ણાતોએ આવકાર્યું છે. ગુજરાત બાર કાઉન્સિલના કો-ચેરમેન અનિલ સી. કેલ્લા જણાવે છે કે, દહેજ મૃત્યુ અને 498-Aના કેસોમાં સાક્ષીઓનાં નિવેદનો ઝડપથી લેવા, પંચનામાં સમયસર કરવા અને FSLનો રિપોર્ટ વહેલી તકે મેળવવો જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, સામાન્ય કેસોમાં 60 દિવસની અંદર અને આજીવન કેદની સજાની જોગવાઇ ધરાવતા કેસોમાં 90 દિવસની અંદર ચાર્જશીટ રજૂ કરવાની હોય છે, એટલે તપાસ સમયસર પૂરી થવી જોઈએ. જો કોર્ટને લાગે કે જરૂરી દસ્તાવેજો કે પુરાવા રજૂ નથી કરાયા, તો સંબંધિત અધિકારીને તાત્કાલિક જાણ કરીને તે પુરાવા કોર્ટમાં રજૂ કરાવવા જોઈએ.

અમદાવાદ ક્રિમિનલ કોર્ટસ બાર એસોસિએશનના પ્રમુખ ઈશ્વર દેસાઇએ જણાવ્યું કે, ઘણી વખત ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે કેસ ખેંચાય છે અને પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું કે, લગ્નના 2-3 વર્ષ પછી સ્ત્રીઓએ નવા વાતાવરણમાં અને જુદા-જુદા લોકો સાથે રહેવાનું હોય છે. લગ્ન સમયે છોકરીના પિતાને પૈસા આપ્યા હોય અને તે પૈસા પાછા માંગ્યા તેવા નાનકડા પ્રશ્ન માટે પણ ઘણીવાર દીકરીઓને લાગી આવતું હોય છે. જો કે, હવે અગાઉની તુલનામાં આવા કિસ્સાઓ ઓછા જોવા મળે છે.

હાઇકોર્ટની આ ગાઇડલાઇનથી દહેજ અને ઘરેલુ હિંસાના પીડિતોને ઝડપી ન્યાય મળવાની આશા છે. સાથે જ આરોપીઓને પણ સમયસર ન્યાય મળશે અને કેસો લાંબા સમય સુધી ખેંચાશે નહીં.