અમદાવાદ: ગુનાના આરોપીને જાહેરમાં માર મારવા અને સરઘસ કાઢવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અવમાનના (કન્ટેમ્પ્ટ) અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં રજૂઆત કરાઈ છે કે, “પોલીસ વર્દી પહેરે એટલે તે કાયદાથી ઉપર કે વધુ શક્તિશાળી નથી. જાહેરમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન કરીને કોઈને માર મારવો એ અત્યંત અપમાનજનક છે.”
સુપ્રીમ કોર્ટે આરોપીને જાહેરમાં ફેરવવા અને માર મારવા પર સ્પષ્ટ પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં ગુજરાતમાં આવા બનાવો વારંવાર બની રહ્યા હોવાનો આરોપ અરજીમાં છે.
અરજદાર પક્ષે કોર્ટને જણાવ્યું કે, 21 જૂનના રોજ દારૂના એક કેસમાં 16થી 17 વર્ષના સગીરની ધરપકડ કરાઈ હતી. તેને સતત ત્રણ દિવસ સુધી ગેરકાયદે રીતે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. બાદમાં તેને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. સગીરના પિતાએ આક્ષેપ કર્યો છે કે પોલીસ કસ્ટડીમાં તેમના પુત્ર પર અમાનુષી અત્યાચાર ગુજારાયો હતો. સગીરના શરીરના વિવિધ ભાગો પર તીક્ષ્ણ હથિયાર/ઘાના નિશાનો મળ્યાના પુરાવા પણ છે.
અરજદારે દલીલ કરી હતી કે સીઆરપીસી કલમ 151 હેઠળ કોઈને ત્રણ દિવસ સુધી કસ્ટડીમાં રાખી શકાય નહીં. પરંતુ સગીરને ત્રણ વખત કલમ 151 હેઠળ અટકાયતમાં લઈને ગેરકાયદે રાખવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેને જાહેરમાં ફેરવવામાં પણ આવ્યો હતો, જે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનો અનાદર છે.
સામે પક્ષે પોલીસે બચાવ કરતાં જણાવ્યું કે જામીન આપી દેવાયા હોવાથી માર મારવાનો પ્રશ્ન ઊભો થતો નથી. આ અરજી બાદ પોલીસે ગુજરાત હાઈકોર્ટમાં માફી માગી હતી. પરંતુ અરજદારે સવાલ કર્યો છે કે શું પોલીસ સરઘસ કાઢીને પછી માત્ર માફી માગી લેવાથી આવા બનાવો બનવાના અટકશે?
આ મામલાની ગંભીરતા જોઈને હાઈકોર્ટે પોલીસ તંત્ર પાસે બનાવની શરૂઆતથી લઈને આરોપીને મુક્ત કરાયો ત્યાં સુધીની તમામ વિગતો અને સમયરેખા કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે એ પણ પૂછ્યું છે કે સગીરની ધરપકડ કયા સમયે કરાઈ હતી અને તેને કેટલો સમય કસ્ટડીમાં રખાયો હતો. આ કેસની વધુ સુનાવણી આગામી ગુરુવારે મુકરર કરાઈ છે.