સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને સુપ્રીમ કોર્ટમાં પદોન્નત કરવાની ભલામણ

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને સુપ્રીમ કોર્ટમાં પદોન્નત કરવાની ભલામણ

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે પદોન્નત કરવાની ભલામણ કરી છે. આ ભલામણ 28 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાયેલી કોલેજિયમની બેઠકમાં કરવામાં આવી હતી. ગુજરાતના ન્યાયિક ક્ષેત્ર માટે આ એક મહત્ત્વપૂર્ણ ઘટના છે.

જસ્ટિસ સુનિતા અગ્રવાલે જુલાઈ 2023માં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા હતા. તેઓ ગુજરાત હાઈકોર્ટના ઇતિહાસમાં ચીફ જસ્ટિસ પદ સંભાળનારા બીજા મહિલા જજ બન્યા હતા. તેમનો જન્મ અને કારકિર્દી અલાહાબાદ હાઈકોર્ટ સાથે સંકળાયેલી છે.

જસ્ટિસ અગ્રવાલે 1989માં અવધ યુનિવર્સિટીમાંથી લો (કાયદા)ની ડિગ્રી મેળવી હતી અને 1990માં એડવોકેટ તરીકે નોંધણી કરાવી હતી. તેમણે અલાહાબાદ હાઈકોર્ટમાં સિવિલ અને બંધારણીય ક્ષેત્રે લાંબા સમય સુધી વ્યાપક પ્રેક્ટિસ કરી હતી.

નવેમ્બર 2011માં તેમની અલાહાબાદ હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે પદોન્નતિ થઈ હતી અને ઓગસ્ટ 2013માં તેઓ પરમેનન્ટ જજ બન્યા હતા. એક દાયકાથી વધુની તેમની ન્યાયિક કારકિર્દી દરમિયાન તેમણે બંધારણીય અધિકારો, નાગરિક સ્વતંત્રતા અને વહીવટી કાયદાઓ પર અનેક મહત્ત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે.

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ સુનિતા અગ્રવાલ સિવાય અન્ય બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પણ સુપ્રીમ કોર્ટમાં પદોન્નત કરવાની ભલામણ કરી છે. જેમાં દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અપરેશ કુમાર સિંહનો સમાવેશ થાય છે.

કોલેજિયમની આ ભલામણ બાદ હવે કેન્દ્ર સરકારની વિધિવત મંજૂરી બાદ તેમના નામનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે કાર્યભાર સંભાળશે.