સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: ST નિગમ કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 60% DA મળશે

અમદાવાદ: ST નિગમ કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 60% DA મળશે

ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થા (DA) માં 2 ટકાનો વધારો મંજૂર કર્યો છે. આ નિર્ણયથી નિગમના હજારો કર્મચારીઓને ફાયદો થશે.

હવે એસ.ટી. નિગમના કર્મચારીઓને 58% ના બદલે 60% ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ સાથે જ કર્મચારીઓને તેમના બાકી નીકળતા મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવામાં આવશે.

રાજ્યના ગૃહ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી છે. તેમણે લખ્યું કે, "કર્મયોગીઓનું હિત એ જ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે." તેમણે વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એસ.ટી. નિગમના લાખો કર્મચારીઓના હિતમાં આ નિર્ણય લેવાયો છે.

સરકારના આ નિર્ણયથી એસ.ટી. નિગમના ડ્રાઇવર, કંડક્ટર અને ટેકનિકલ સ્ટાફ સહિતના કર્મચારીઓના માસિક પગારમાં વધારો થશે.

મોંઘવારી ભથ્થું શું છે?
મોંઘવારી ભથ્થું (Dearness Allowance - DA) એ સરકારી અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓ તથા પેન્શનરોને ચૂકવવામાં આવતા પગારનો એક ભાગ છે. વધતી મોંઘવારીની અસરને પહોંચી વળવા અને કર્મચારીઓનું જીવનધોરણ જળવાઈ રહે તે માટે મૂળ પગાર ઉપરાંત વધારાના નાણાં આપવામાં આવે છે, તેને મોંઘવારી ભથ્થું કહેવાય છે. જેમ જેમ વસ્તુઓ અને સેવાઓના ભાવ વધે છે, તેમ તેમ નાણાંનું મૂલ્ય ઘટે છે. કર્મચારીઓની ખરીદશક્તિ જળવાઈ રહે તે માટે સરકાર સમયાંતરે DA માં વધારો કરે છે.

કોને મળે છે?
આ લાભ મુખ્યત્વે સરકારી કર્મચારીઓ (કેન્દ્રીય અને રાજ્ય સરકાર), જાહેર ક્ષેત્રના સાહસો (જેમ કે એસ.ટી. નિગમ, બેંકો વગેરે) ના કર્મચારીઓ અને પેન્શનરોને મળે છે. સામાન્ય રીતે ખાનગી ક્ષેત્રમાં આ રીતે અલગથી DA આપવાનો નિયમ હોતો નથી.