સત્ય. સાહસ. સંકલ્પ.

મગફળી ઉત્પાદનમાં 8.85 લાખ ટનનો ઘટાડો: સર્વેમાં ખેડૂતોની હાલત કથળી

મગફળી ઉત્પાદનમાં 8.85 લાખ ટનનો ઘટાડો: સર્વેમાં ખેડૂતોની હાલત કથળી

ગાંધીનગર: 'ધી સોલવન્ટ એક્સટ્રેક્શન એસોસિયેશન ઓફ ઈન્ડિયા' (SEA)ના તાજા સર્વે મુજબ, ગુજરાતમાં ચાલુ વર્ષે (2026-27) મગફળીનું ઉત્પાદન ગત વર્ષના 41.88 લાખ મેટ્રિક ટનની સરખામણીએ ઘટીને 33.30 લાખ મેટ્રિક ટન રહેવાનો અંદાજ છે. આ 8.58 લાખ મેટ્રિક ટન એટલે કે લગભગ 20.5%નો ઘટાડો છે.

આ સર્વે છેલ્લા 16 વર્ષથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો, તેલ મિલો અને માર્કેટિંગ યાર્ડ્સમાં કરવામાં આવે છે. આ વખતે 20 અનુભવી સભ્યોની ટીમે ખેતરોમાં જઈને પાકની સ્થિતિ, વરસાદની માત્રા અને સમય, તેમજ 2000થી વધુ પ્રગતિશીલ ખેડૂતો અને યાર્ડની હરાજીઓમાંથી માહિતી એકત્ર કરી હતી. સંસ્થાના પ્રવીણભાઈ આસોદરિયાએ જણાવ્યું કે આ રિપોર્ટ સરકારી કાગળો જેવો નથી, પરંતુ જમીન પરની વાસ્તવિકતા દર્શાવે છે.

વરસાદની અસમાનતાને કારણે મગફળીના દાણાનો ભરાવ ઘટ્યો છે. ગત વર્ષે પ્રતિ કિલો મગફળીમાંથી 750 ગ્રામ દાણા નીકળતા હતા, જે આ વર્ષે ઘટીને 700 ગ્રામથી પણ ઓછા થયા છે. જિલ્લાવાર ઉતારામાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. દેવભૂમિ દ્વારકામાં ગત વર્ષે વીઘા દીઠ 17 મણનો ઉતારો હતો, જે આ વર્ષે ઘટીને માત્ર 3 મણ થયો છે. પોરબંદરમાં પણ ઉતારો 20 મણથી ઘટીને 7 મણ રહ્યો છે.

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન એક જ જિલ્લાના કેટલાક તાલુકામાં સારો વરસાદ થયો, જ્યારે બાજુના તાલુકા સૂકા રહ્યા. પરિણામે સિંચાઈ સુવિધા ન ધરાવતા ખેડૂતોના ખેતરોમાં મગફળીના છોડ સૂકાઈ ગયા છે અથવા ઉતારો ખૂબ જ ઓછો થયો છે. ખેડૂતોનો આરોપ છે કે સરકાર અછત કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જાહેર કરવાને બદલે આંખ આડા કાન કરી રહી છે, જેથી તેમને સહાય અને રાહતના લાભથી વંચિત રાખવામાં આવે છે.

આ સ્થિતિ ખેડૂતો માટે ચિંતાજનક છે, કારણ કે મગફળી એ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ખેડૂતો માટે મુખ્ય પાક છે. ઉત્પાદનમાં ઘટાડાથી તેમની આવક પર સીધી અસર પડશે.