સત્ય. સાહસ. સંકલ્પ.

ગ્રાન્ટેડ શાળાઓમાં 2000થી વધુ શિક્ષકોની ભરતી માટે સરકારે ત્રણ સભ્યોની કમિટી બનાવી

ગ્રાન્ટેડ શાળાઓમાં 2000થી વધુ શિક્ષકોની ભરતી માટે સરકારે ત્રણ સભ્યોની કમિટી બનાવી

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વિવિધ વિષયોના 2000થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે સરકારે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે. યોગ્ય લાયકાત અને મેરિટના આધારે ભરતી થાય અને સમગ્ર પ્રક્રિયા નિર્વિવાદ રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી આ કમિટીને સોંપવામાં આવી છે.

લાંબા સમયથી શાળા સંચાલક મંડળો ખાલી જગ્યાઓ ભરવાની માંગ કરી રહ્યા હતા. હવે કમિટીની રચના થતાં ભરતી પ્રક્રિયા ઝડપથી આગળ વધવાની શક્યતા છે.

સરકારે આ કમિટી એક વર્ષના કાર્યકાળ માટે નિમી છે. કમિટીમાં હિંમતનગરના મિતેશ ભટ્ટ, સુરતના જીગ્નેશકુમાર પટેલ અને અમદાવાદના મનુભાઈ રાવલનો સમાવેશ કરાયો છે. આમાં શિક્ષકો અને શાળા સંચાલક મંડળના પ્રતિનિધિઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે કમિટીમાં સ્થાન મેળવનારા મનુભાઈ રાવલે જણાવ્યું કે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં અંદાજે 2000 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. ખાસ કરીને અંગ્રેજી, ફિઝિક્સ અને ગણિતના શિક્ષકોની અછત વર્તાઈ રહી છે.

તેમણે કહ્યું કે શિક્ષકોની ભરતી ઝડપથી થાય તે માટે પ્રયાસ કરાશે. સાથે જ ભરતી પ્રક્રિયા નિર્વિવાદ રહે અને લાયક ઉમેદવારોની મેરિટના આધારે પસંદગી થાય તે સુનિશ્ચિત કરવાનું કમિટીનું મુખ્ય કામ રહેશે.

ખાલી જગ્યાઓના કારણે શિક્ષણકાર્ય પર અસર પડતી હોવાની રજૂઆતો વચ્ચે સરકારના આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કમિટીની રચના બાદ હવે ભરતી પ્રક્રિયા અંગે આગળની કાર્યવાહી ઝડપી થવાની આશા છે.