ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કૃષિ વિભાગને લગતો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગામડાંમાં ખેડૂતો અને કૃષિ યોજનાઓ સાથે સીધું કામ કરતા ગ્રામસેવકોના પ્રવાસ ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.
કૃષિ અને સહકાર વિભાગ હેઠળ ફરજ બજાવતા ગ્રામસેવકો લાંબા સમયથી ભથ્થા વધારવાની માંગ કરી રહ્યા હતા. સરકારે તેમની રજૂઆત સ્વીકારી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી.
મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં કૃષિ વિભાગ હેઠળ આશરે 2,900 ગ્રામસેવકો કાર્યરત છે. સામાન્ય રીતે એક ગ્રામસેવકને પોતાના વિસ્તારમાં 4 થી 5 ગ્રામ પંચાયતોના ગામોમાં ફરવાનું હોય છે. ઘણા કિસ્સામાં 5થી વધુ ગામડાંમાં સતત ક્ષેત્રીય કામ કરવું પડે છે. આ સતત મુસાફરી અને કામના ભારને ધ્યાનમાં રાખીને ભથ્થામાં વધારો કરાયો છે.
અત્યાર સુધી ગ્રામસેવકોને દર મહિને 1,850 રૂપિયા પ્રવાસ ભથ્થું મળતું હતું. હવે તેમાં 850 રૂપિયાનો વધારો કરીને માસિક ભથ્થું 2,700 રૂપિયા કરવામાં આવ્યું છે.
ગ્રામસેવક રાજ્ય સરકાર અને ખેડૂતો વચ્ચેની કડી સમાન છે. રાજ્યમાં ખાતેદાર ખેડૂતોની સંખ્યા વધી છે અને સરકારી યોજનાઓ તથા આર્થિક સહાય દરેક ખેડૂત સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી તેઓ નિભાવે છે. ડિજિટલ યુગમાં તેમના કામનો વ્યાપ પણ વધ્યો છે.
ખેતરોમાં વાવેતર અને ઉત્પાદનનો અંદાજ મેળવવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા ડિજિટલ સર્વે કરવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોનું e-KYC કરાવવાની જવાબદારી પણ તેમના શિરે છે.
અતિવૃષ્ટિ કે અન્ય કુદરતી આપત્તિ સમયે ગ્રામસેવકો ખેતરોમાં જઈને નુકસાનીનો સર્વે કરે છે અને ખેડૂતોને માર્ગદર્શન આપે છે. કૃષિ મહોત્સવ અને કૃષિ મેળાઓનું આયોજન, ટેકાના ભાવે થતી ખરીદીમાં મદદ તથા પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે દૂરના ખેતરો સુધી પહોંચવું પણ તેમના રોજિંદા કામનો હિસ્સો છે.
આ નિર્ણયથી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓની કામગીરી વધુ ઝડપી બનશે અને તેનો સીધો લાભ ગુજરાતના ખેડૂતોને મળશે.