ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ગ્રામસેવકોના પ્રવાસ ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના કૃષિ વિભાગ હેઠળ ફરજ બજાવતા આશરે 2,900 ગ્રામસેવકોને હવે માસિક ₹2,700 પ્રવાસ ભથ્થું મળશે. અગાઉ આ ભથ્થું ₹1,850 હતું, એટલે કે ₹850નો વધારો કરાયો છે.
કૃષિ અને ખેડૂત કલ્યાણ કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે, ગ્રામસેવકોએ પોતાના સેજા હેઠળ 4થી 5 ગ્રામ પંચાયતોના ગામોમાં અથવા કેટલાક વિસ્તારોમાં તેથી પણ વધુ ગામોમાં સતત પ્રવાસ કરવો પડે છે. તેમની વધતી કામગીરીને ધ્યાનમાં રાખીને આ ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.
રાજ્યમાં ખાતેદાર ખેડૂતોની સંખ્યા સતત વધી રહી છે. ખેડૂતોને સરકારી યોજનાઓ અને સહાયનો લાભ સરળતાથી મળે તે માટે ગ્રામસેવકો કામ કરે છે. આજે તેમની જવાબદારીમાં પાક વાવેતર અને ઉત્પાદનના અંદાજ માટે મોબાઈલ એપ દ્વારા ડિજિટલ સર્વે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ e-KYC, કુદરતી આપત્તિ કે અતિવૃષ્ટિ સમયે ખેતરોમાં જઈ સર્વે અને ખેડૂતોને માર્ગદર્શન, કૃષિ મહોત્સવ/મેળાનું આયોજન, ટેકાના ભાવે ખરીદી તથા પ્રાકૃતિક કૃષિ ઝુંબેશ માટે ગામડાં અને ખેતરો સુધી પહોંચી ખેડૂતોનો સંપર્ક કરવાનો સમાવેશ થાય છે.