સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર સચિવાલય સહિત રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં સોમ-મંગળ મીટિંગ પર ફરી પ્રતિબંધ

ગાંધીનગર સચિવાલય સહિત રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં સોમ-મંગળ મીટિંગ પર ફરી પ્રતિબંધ

ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યની સચિવાલય સહિત તમામ સરકારી કચેરીઓમાં સોમવાર અને મંગળવારે અધિકારીઓને કોઈ પણ પ્રકારની મીટિંગ કે અન્ય કાર્યક્રમોનું આયોજન ન કરવા આદેશ આપ્યો છે. આ બે દિવસ સંપૂર્ણપણે સામાન્ય જનતા અને લોકપ્રતિનિધિઓની રજૂઆતો સાંભળવા તથા તેમના પ્રશ્નોના ઉકેલ માટે અનામત રાખવાના રહેશે.

અધિકારીઓ સતત મીટિંગો કે સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત રહેતા હોવાથી દૂર-દૂરના ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાંથી પોતાના કામ માટે ગાંધીનગર સચિવાલય કે જિલ્લા કચેરીઓએ આવતા સામાન્ય નાગરિકોને 'ઘરમનો ધક્કો' ખાવો પડે છે. સોમ અને મંગળવાર પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે નક્કી કરાયેલા હોવા છતાં, કચેરીઓમાં પહોંચતા જ 'સાહેબ મીટિંગમાં છે' તેવો તૈયાર જવાબ સાંભળવા મળે છે. આથી અરજદારો તો ઠીક, ખુદ ધારાસભ્યોને પણ સરકારી બાબુઓ મળતા નથી અને લાંબી રાહ જોયા બાદ નિરાશ થઈને પરત ફરવું પડે છે.

જોકે, અગાઉ પણ આવા અનેક પરિપત્રો બહાર પડ્યા હોવા છતાં તેનો યોગ્ય અમલ ન થતો હોવાથી, આ નવો પરિપત્ર ખરેખર અમલી બનશે કે માત્ર કાગળ પર જ રહેશે તેવી ચર્ચા કર્મચારીઓ અને આમ જનતામાં ચાલી રહી છે. વહીવટી તંત્રના આ અખાડાને કારણે લોકોનો ભરોસો હવે આવા સરકારી સર્ક્યુલર પરથી ઊઠી રહ્યો છે.