સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત: સરકારી કર્મચારીઓનું 15 દિવસનું અલ્ટીમેટમ, 20 માગણીઓ મુદ્દે રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી

ગુજરાત: સરકારી કર્મચારીઓનું 15 દિવસનું અલ્ટીમેટમ, 20 માગણીઓ મુદ્દે રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી

ગુજરાતમાં સરકારી કર્મચારીઓએ તેમના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો છે અને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. આ નિર્ણયથી રાજકારણ અને પ્રશાસનમાં ચર્ચા શરૂ થઈ છે.

સરકારી કર્મચારી મંડળોએ સરકારને 20 મુદ્દાનું આવેદનપત્ર સુપ્રત કર્યું છે. તેમાં મુખ્યત્વે ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવી, વિભાગોમાં વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ ભરવી, હાલના કર્મચારીઓ પરનું કામનું ભારણ ઘટાડવું અને 50 વર્ષથી વધુ વયના વરિષ્ઠ કર્મચારીઓને પદોન્નતિ માટેની ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી જેવી માગણીઓનો સમાવેશ થાય છે.

કર્મચારીઓની સૌથી મોટી માગણી વર્ષોથી ચાલી આવતી ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવાની છે. તેમનું કહેવું છે કે આ પ્રથાને કારણે આર્થિક શોષણ થાય છે. ઉપરાંત, વિવિધ વિભાગોમાં વર્ષોથી ખાલી જગ્યાઓ ભરવામાં ન આવતાં હાલના કર્મચારીઓ પર વધારાનું કામનું ભારણ વધ્યું છે, જે ઘટાડવાની માગ પણ કરવામાં આવી છે.

કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો 15 દિવસમાં સંતોષકારક નિર્ણય નહીં લેવામાં આવે તો સમગ્ર રાજ્યમાં અસહકાર અને આંદોલન કરવામાં આવશે. આ ઘર્ષણ વહેલી તકે ઉકેલાય નહીં તો સરકારી સેવાઓ અને વહીવટી કામગીરી ખોરવાઈ શકે છે. હવે આગામી દિવસોમાં સરકાર મધ્યસ્થી કરીને ઉકેલ લાવે છે કે કર્મચારીઓ રસ્તા પર ઉતરે છે તેના પર સૌની નજર છે.