સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં 6 લાખ ઘરેણાં કારીગરોની મજૂરી 8%થી ઘટીને 2%, હવે 4% કરવાની માંગ

ગુજરાતમાં 6 લાખ ઘરેણાં કારીગરોની મજૂરી 8%થી ઘટીને 2%, હવે 4% કરવાની માંગ

સોના-ચાંદીના ઘરેણાં બનાવવામાં કુશળ ગણાતા બંગાળી કારીગરો આજે ગંભીર આર્થિક ભીંસમાં મુકાયા છે. તેમને ઘરેણાં ઘડતરની મજૂરી પેટે પહેલાં 8 ટકા સુધીનું મહેનતાણું મળતું હતું, જે હવે ઘટીને માત્ર 2 ટકા થઈ ગયું છે. આટલી ઓછી આવકમાં ઘર ચલાવવું અને બાળકોને ભણાવવું મુશ્કેલ બન્યું છે.

ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરો તથા નાના સેન્ટરોમાં મળીને આશરે છ લાખ બંગાળી કારીગરો ઘરેણાં બનાવવાની કામગીરી સાથે જોડાયેલા છે. અમદાવાદના કોટ વિસ્તાર અને ખાસ કરીને ખાડિયામાં ઘરેણાં બનાવવાનું કામ મોટા પ્રમાણમાં ચાલે છે.

અમદાવાદના સમસ્ત બંગાળી સમાજ અસોસિએશને જણાવ્યું છે કે હાલમાં 100 ગ્રામ સોનાના ઘરેણાં તૈયાર કરવા પર (જેની કિંમત આશરે 15 લાખ રૂપિયા હોય) કારીગરોને 2 ટકા લેખે માત્ર 30,000 રૂપિયા મજૂરી મળે છે. આ રકમમાંથી કારીગરે પોતાના કામદારોના પગાર, ગેસનો ખર્ચ, દુકાનનું ભાડું અને ઘરખર્ચ વગેરે કાઢવાના હોય છે. વધતી મોંઘવારીમાં આ ખર્ચો પોસાય નહીં હોવાથી ઘણા કારીગરો વ્યવસાય છોડી રહ્યા છે. તેથી ઘડતરની ટકાવારી વધારીને 4 ટકા કરવામાં આવે તેવી વેપારીઓ સમક્ષ માંગણી કરવામાં આવી છે.

સામે સોની વેપારીઓ ગ્રાહકો પાસેથી આ જ મજૂરી પેટે 10થી 18 ટકા સુધીની રકમ વસૂલે છે. જો કારીગરોની મજૂરી વધશે તો તેની અસર ઘરેણાંની કિંમત પર પડી શકે છે.